Vadodara

ધારાસભ્ય કેયુર રોકડિયાના વિસ્તારમાં જ પાણી માટે વલખા મારતા લોકો

ત્રણ દિવસથી નળ સૂકા, 800 ઘરો મુશ્કેલીમાં !

બેદરકારીનો ભોગ બનતા બાળકો વડીલો,’કાઉન્સિલર-ધારાસભ્ય પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ,’ સ્થાનિકોનો સણસણતો આક્ષેપ; કોર્પોરેશનને 1000 માટલાં લઈને વિરોધની ધમકી!

વડોદરા શહેરના વોર્ડ નં. 8 હેઠળ આવતા કરોડિયા-ઉંડેરા વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી પીવાનું તેમજ વપરાશનું પાણી સંપૂર્ણપણે બંધ થઈ જતાં સ્થાનિક નાગરિકોમાં ભારે હાલાકી અને રોષ જોવા મળી રહ્યો છે. યોગેશ્વર પાર્ક, કિસ્મત નગર, ગાયત્રી કૃપા, ખોડિયાર નગર, વિજય નગર, પ્રભુ નગર, અને નવદુર્ગા સોસાયટી સહિતના વિસ્તારોના આશરે 800થી 900 જેટલા ઘરો આ ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે.


​સ્થાનિક નાગરિકો ખાસ કરીને મહિલાઓ, નાના બાળકો અને વડીલોને પાણી વિના જે પારાવાર કષ્ટ વેઠવું પડે છે. પરંતુ પાલિકા તેમજ સ્થાનિક નેતાઓ ને કોઈની પડી નથી.
સમસ્યાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, સ્થાનિક આગેવાનની હેઠળ સવારથી જ અસરગ્રસ્ત તમામ 800-900 ઘરોમાં પીવાનું મિનરલ વોટર તેમજ વપરાશ માટેનું પાણી પહોંચાડવાની તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવી હતી. આ વ્યવસ્થાના કારણે કોઈ પણ પરિવારને તરસ કે વધુ તકલીફ વેઠવી ન પડે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું.
સ્થાનિક આગેવાને કોર્પોરેશનની કામગીરી પર સખત નારાજગી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, કોર્પોરેશન દ્વારા પાણીની લાઈન બંધ કરતાં પહેલાં ત્યાં રહેતા નાગરિકો, ખાસ કરીને બાળકો, મહિલાઓ અને વડીલોને થનારી મુશ્કેલી અંગે કોઈ પણ પ્રકારની પૂર્વ તૈયારી કે પૂર્વ સૂચના આપવામાં આવી નહોતી. આવી અચાનક અને બેદરકાર કામગીરી નાગરિક હિત વિરુદ્ધ છે અને તે તદ્દન અસ્વીકાર્ય છે. આમ સ્થાનિક આગેવાન સાથે વિસ્તારના લોકોને પડતી મુશ્કેલીઓને લઈ પ્રશાસન તેમજ સ્થાનિક નેતાઓ ઉપર પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.

માટલાં ફોડી વિરોધની કડક ચીમકી…
​આગેવાને સ્પષ્ટ ચેતવણી આપી છે કે, “જો ફરી વાર કોર્પોરેશન દ્વારા આ જ પ્રકારની બેદરકારી થશે અને પૂર્વ સૂચના વગર પાણી પુરવઠો બંધ કરવામાં આવશે, તો મારી આગેવાની હેઠળ વોર્ડ-8ના હજારો નાગરિકો સાથે મળીને 1000 થી વધુ માટલા લઈને કોર્પોરેશન ઓફિસ ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.”

સ્થાનિકોની મુખ્ય માગણીઓ:
*​તાત્કાલિક પાણી પુરવઠો ચાલુ કરવામાં આવે.
*​આગામી સમયમાં લાઈન રિપેરિંગ, બંધ કરવાની કોઈપણ કામગીરી પૂર્વ સૂચના સાથે જ કરવામાં આવે.
*​વોર્ડ-8 માટે સ્થાયી પાણી પુરવઠો વ્યવસ્થા સુધારવા માટે તાત્કાલિક ટેકનિકલ સમીક્ષા કરવામાં આવે.

Most Popular

To Top