તારાપુર – વાસદ ધોરી માર્ગ પર નંદેસરીની કંપનીના કર્મચારીને લઇ જતી બસને અકસ્માત નડ્યો
બસની પાછળ ટ્રકે ટક્કર મારતા આગળના ટેન્કર સાથે અથડાઇ હતી
(પ્રતિનિધિ) પેટલાદ તા.3
પેટલાદના ધર્મજ પાસેથી પસાર થતા ધોરી માર્ગ પર પુરપાટ ઝડપે જતી ટ્રકના ચાલકની બેદરકારીથી આગળ જતી બસને ટક્કર વાગી હતી. જેના કારણે બસ સીધી ટેન્કર સાથે અથડાઇ હતી. જેના કારણે કેબીનમાં બેઠેલા વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જ્યારે ચાલક સહિત બે ઘવાયાં હતાં. આ અંગે પેટલાદ ગ્રામ્ય પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધ્યો હતો.
સોજિત્રાના ત્રંબોવાડ ગામના ખડીયારાપુરા ગામમાં રહેતા રઇજીભાઈ મણીભાઈ ચૌહાણ વડોદરાની ખાનગી કંપનીમાં નોકરી કરે છે અને તેઓ કંપનીની બસમાં અપડાઉન કરે છે. દરમિયાનમાં 3જી ઓક્ટોબરના રોજ કંપનીની બસ નં.જીજે 23 એડબલ્યુ 3636ના ચાલક તરીકે સાગરભાઇ રણેશભાઈ ગોસ્વામી (રહે. જલસણ) હતાં. આ બસમાં રઇજીભાઈ ચૌહાણ ઉપરાંત અન્ય કર્મચારી ભગતસિંહ ચંદુભાઈ પરમાર, ભાઇલાલ ભુપતભાઈ પરમાર, પ્રવિણ રમણભાઈ પરમાર (રહે. ખડાણા) સહિત અન્ય કર્મચારીઓ પણ હતાં. આ કંપનીની બસમાં સવારના 5-40 વાગ્યે ધર્મજ ચોકડીથી બેસી વડોદરા નંદેસરી કંપનીમાં જવા નિકળ્યાં હતાં. આ સમયે બસની ખાલી સાઇડે દરવાજા નજીક આવેલી પહેલી સીટમાં ભગતસિંહ ચંદુભાઈ પરમાર બેઠાં હતાં, તેમની પાછળ ભાઇલાલ પરમાર બેઠાં હતાં. બસ તારાપુર – વાસદ રોડ પર ધર્મજ ગામના બ્રીજ પર વચ્ચેની લેનમાં જતી હતી તે દરમિયાન આગળ રોડ પર એક ટેન્કર પડેલું હતું. જેનું આગળનું ટાયર ફાટી જવાથી ઉભી હતી. આથી, બસ ચાલક સાગરભાઈ ટેન્કરની બાજુમાંથી બસ કાઢવા ટ્રેક બદલતા હતાં. પરંતુ તે સમયે પાછળથી પુરપાટ ઝડપે ધસી આવેલી ટ્રકે એકદમ ટક્કર મારી હતી. જેના કારણે બસ સીધી જ ટેન્કર સાથે અથડાઇ હતી. જેના કારણે બસમાં સવાર કંપનીના કર્મચારીઓને નાની – મોટી ઇજા પહોંચી હતી. જેમાં ભગતસિંહ ચંદુભાઈ પરમારનું મોત નિપજ્યું હતું. જ્યારે ભાઇલાલ ભુપતભાઈ પરમાર અને બસ ચાલક સાગરભાઈને ગંભીર ઇજા પહોંચતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ અંગે પેટલાદ ગ્રામ્ય પોલીસે ટ્રક નં.જીજે 10 ટીએક્સ 7173ના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.