ઘેજ: ધરમપુર તાલુકાના એક ગામની ૧૩-વર્ષીય સગીરા ટાંકલ હાઈસ્કૂલના છાત્રાલયમાંથી ગુમ થઈ ગઈ હતી. બે દિવસ બાદ પણ પોતાની સગીર દીકરી ઘરે પરત ન આવતા અને કોઈ જગ્યાએ મળી ન આવતા પિતાની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સગીરા જે ટાંકલ ગામની બી.એચ.પટેલ હાઇસ્કૂલમાં કન્યા છાત્રાલયમાં રહી ધોરણ-૯ માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની બીમાર હોવાથી પરિવાર તેણીને તા.૧/૧૨/૨૪ ના રોજ લઇ ગયો હતો. ત્યારબાદ તબિયત સારી થતાં તા.૧૧/૧૨/૨૦૨૪ ના રોજ તેને ફરી છાત્રાલયમાં મૂકી ગયા હતા. આ દરમ્યાન સાંજના છ એક વાગ્યાના અરસામાં છાત્રાલયમાંથી ગૃહમાતાએ તેણીના પિતાને ફોન કરી જણાવ્યું હતું કે આજે તમારી દીકરી શાળાએ ન જઇ છાત્રાલયમાં જ તેના રૂમમાં સૂતેલી હતી. અને સાંજના જમવાના સમયે બધી છોકરી જમવા આવેલી પરંતુ તમારી દીકરી જોવા મળેલી નહીં.
છાત્રાલયના સ્ટાફ અને પરિવારજનોએ આજુબાજીમાં શોધખોળ કરતા તે મળી ન હતી. પરંતુ દીકરીની તબિયત સારી ન રહેતી હોય અને તેને કદાચ છાત્રાલયમાં રહેવાનું ગમતું ન હોય ધરમપુર તાલુકાના ગામ સ્થિત ઘરે જવા નીકળી હશે, પોતાની મેળે પરત ધરે આવશે એવી માની પરિવારજનોએ રાહ જોઈ હતી. પરંતુ બે દિવસ બાદ પણ પોતાની સગીર દીકરી ઘરે પરત ન આવતા અને કોઈ જગ્યાએ મળી ન આવતા પિતાની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.