Columns

દેશ માટે ગુમનામીમાં જતા રહેલા જાસૂસોની કહાણી

ભારત-પાકિસ્તાન વચ્ચે તંગ વાતાવરણમાં જ નહીં પણ સામાન્ય સંજોગોમાં એકબીજા પર જાસૂસીની ખબરો આવતી હોય છે. 1947માં બંને દેશો સ્થપાયા તે પછી અવિશ્વાસનું વાતાવરણ ક્યારેય હટ્યું નથી અને એટલે જ બંને દેશોએ એકબીજાની જાસૂસી કરીને શક્ય એટલી માહિતી મેળવવાનાં કારસ્તાન રચતા રહ્યા છે. હાલમાં ભારતની યૂટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની પાકિસ્તાનને કેટલીક અગત્યની વિગતો આપવા અંગે ધરપકડ થઈ છે. જ્યોતિ મલ્હોત્રા મૂળે હરિયાણાની છે અને તેની ચેનલનું નામ છે : ‘ટ્રાવેલ વિથ જો’. 2011માં શરૂ થયેલી આ ચેનલમાં અત્યાર સુધી 500 જેટલા વીડિયો અપલોડ થયા છે અને તેના ફોલોઅર્સની સંખ્યા ચાર લાખની આસપાસ છે. જ્યોતિ મલ્હોત્રાની ‘ઓફિશ્યલ સિક્રેટ એક્ટ’ના સેક્શન 3, 4 અને 5 સંદર્ભે ધરપકડ કરવામાં આવી છે. જ્યોતિ મલ્હોત્રાએ પાકિસ્તાનના અનેક વીડિયો બનાવ્યા છે અને તેમાં પાકિસ્તાનની હકારાત્મક છબિ ઊભી કરવાનો પ્રયાસ દેખાય છે. એટલું જ નહીં તે પાકિસ્તાન હાઇ કમિશનના કર્મચારી એહસાન-ઉર-રહિમના સંપર્કમાં હતી. અહેસાન વિશે અગાઉથી જ ભારતની ઇન્ટેલિજન્સ એજન્સીઓને શંકા હતી. આ શંકા જ્યોતિના સંપર્કથી પ્રબળ બની છે. જ્યોતિ પર થયેલી શંકા પછી તો તેની એકેએક મુવમેન્ટ વિશે ઇન્ટેલિજન્સ એજન્સીઓ તપાસ કરી રહી છે. આ તપાસમાં એક વિગત એ મળી છે કે જ્યોતિ પાકિસ્તાનની એક વ્યક્તિ સાથે ઇન્ડોનેશિયાના પ્રવાસે ગઈ હતી. બીજું કે પાકિસ્તાનમાં જ્યોતિ જેમના ગાઢ સંપર્કમાં આવી હતી – તેમના નંબર તેણે મોબાઈલમાં ખરા નામ કરતાં અન્ય નામોથી સેવ કર્યા હતા. આવી અનેક બાબતો જ્યોતિ વિશે આવી છે પરંતુ તેમ છતાં હજુય તપાસ ચાલુ છે અને તે અંગે કોઈ અંતિમ નિર્ણય પર આવવા જેવું નથી.
ભારત-પાકિસ્તાનનાં આવાં જાસૂસી પ્રકરણની કમી નથી. જ્યોતિનું એક તરફ નામ આવી રહ્યું છે તેમ ઉત્તર પ્રદેશના મોરાદાબાદમાંથી શહેનાઝ નામની વ્યક્તિને પણ પાકિસ્તાન સાથે કનેક્શન છે – તેવી વાત આવી છે. શહેનાઝના કિસ્સામાં જે કંઈ વિગત બહાર આવી રહી છે તે મુજબ તે પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ‘ઇન્ટર સર્વિસ ઇન્ટેલિજન્સ’ના સંપર્કમાં હતો. પાકિસ્તાનના પ્રવાસે અનેક વખત શહેનાઝ જઈ આવ્યો છે. જ્યોતિ અને શહેનાઝ સિવાય અન્ય બીજા ચાર લોકોની પાકિસ્તાનને માહિતી પહોંચાડવા કે અન્ય કોઈ રીતે મદદ કરવાને લઈને વિવિધ તપાસ એજન્સીઓએ ધરપકડ કરી છે. ભારત-પાકિસ્તાનની જાસૂસીની આ દુનિયામાં અનેક વખત ઉચ્ચ પદે કામ કરનારા અધિકારીઓનું પણ નામ આવ્યું છે. 2010માં આ રીતે માધુરી ગુપ્તા પાકિસ્તાન માટે જાસૂસી કરવાની વાત સામે આવી હતી. માધુરી ગુપ્તા પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં સ્થિત ભારતીય હાઈ કમિશનની ઑફિસમાં સેક્રેટરીના પદે હતાં. તેમના પર પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ‘ISI’ને માહિતી પહોંચાડ્યાનો આરોપ હતો. તેની ધરપકડ થઈ ત્યાર બાદ તપાસમાં ખ્યાલ આવ્યો કે માધુરી ગુપ્તા તરફથી 73 ઇમેઇલ એક્ચેંજ થયાં છે. બીજું કે આ માહિતી પહોંચાડવા તૈયાર થઈ તેની પાછળ જમશેદ નામનો યુવાન હતો. જેણે માધુરી સાથે પ્રેમ હોવાનું તરકટ રચ્યું અને શક્ય એટલી ઇન્ફોર્મેશન માધુરી ગુપ્તા પાસેથી કઢાવી. ઓફિશ્યલ સિક્રેટ એક્ટ હેઠળ માધુરી ગુપ્તાની ધરપકડ થઈ હતી. દિલ્હી હાઈકોર્ટે માધુરી ગુપ્તાને આ કેસ બન્યાનાં આઠ વર્ષ બાદ સજા સુનાવી હતી. જો કે માધુરી ગુપ્તાએ કઈ ઇન્ફોર્મેશન પાકિસ્તાનને પહોંચાડી હતી અને તેમાં અન્ય કોણ કોણ સામેલ હતું- તેની વિગત ક્યારેય બહાર આવી નહોતી. બે વર્ષ પહેલાં પાકિસ્તાન માટે જાસૂસી કરવા માટે ભારતીય સેનાના એક સૈનિકને દોષી ગણવામાં આવ્યો હતો. ભારતની ઉત્તરીય સરહદો પર થતી મુવમેન્ટની ખબર આ સૈનિકે પાકિસ્તાનને પહોંચાડી હતી. આ અંગે તપાસ થઈ અને પુરવાર થયું ત્યાર બાદ ભારતીય સૈન્યમાંથી બેદખલ કરવામાં આવ્યો અને સાથે 11 વર્ષની જેલની સજા કરવામાં આવી. હાલમાં ભારત-પાકિસ્તાન વચ્ચેના યુદ્ધ જેવા વાતાવરણમાં પણ પાકિસ્તાન તરફથી જાસૂસી થતી હતી – તેવાં ન્યૂઝ આવ્યાં હતાં. પાકિસ્તાનમાંથી એવાં અનેક કોલ ભારતીય પત્રકારો કે નાગરિકોને આવ્યા – જેમાં તેઓ ભારતના સૈન્ય અધિકારી બનીને ઇન્ફોર્મેશન મેળવી રહ્યા હતા. દિલ્હીમાં આવેલા પાકિસ્તાન હાઈકમિશન પણ હંમેશાં ભારતીય ઇન્ટેલિજન્સ એજન્સીઓના રડારમાં હોય છે કારણ કે અહીંયા આવેલો સ્ટાફ સ્થાનિક માહિતીઓને પાકિસ્તાન પહોંચાડે છે. 2020માં પાકિસ્તાન હાઈકમિશનના બે અધિકારી આબિદ હુસૈન અને મોહમ્મદ તાહિરને જાસૂસી કરતા પકડવામાં આવ્યા હતા અને તેમને તત્કાલ ભારત છોડવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ બંને સ્થાનિક સ્તરે ભેટ અને રોકડ રકમ આપીને કેટલીક મહત્ત્વની માહિતી એકઠી કરીને પાકિસ્તાન પહોંચાડતા હતા. જેમ પાકિસ્તાન ભારતમાં આવીને જાસૂસી કરે છે તેવું ભારતનું પણ નેટવર્ક છે. સરબજિતથી લઈને કુલભૂષણ જાદવ અંગે પાકિસ્તાન એવો આરોપ લગાવે છે કે તેઓ પાકિસ્તાન સેનાની અગત્યની માહિતી માટે પાકિસ્તાન આવ્યા હતા. આમાં ચર્ચાતું નામ સરબજિત સિંઘનું લઈ શકાય. એવું કહેવાય છે કે 90ના દાયકામાં સરબજિત સિંઘે ભારત વતી જાસૂસી કરવા માટે પાકિસ્તાનમાં પ્રવેશ મેળવ્યો હતો. પાકિસ્તાનમાં થયેલાં કેટલાંક બોમ્બ વિસ્ફોટમાં પણ સરબજિત સિંઘનું નામ આવ્યું હતું – તેવું પાકિસ્તાની તપાસ એજન્સીઓ કહેતી હતી. અંદાજે 30 વર્ષ સુધી પાકિસ્તાનની જેલમાં રહીને આખરે તેમની અરજી પાકિસ્તાનના પ્રમુખ ગુલામ ઇશ્ખ ખાને મંજૂર રાખી. સરબજિત સિંઘને 30 વર્ષ પછી મુક્ત કરવામાં આવ્યા અને જ્યારે તેઓ ભારત પાછા ફર્યા ત્યારે તેમણે કબૂલ્યું કે હું ભારતની જાસૂસી સંસ્થા ‘રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ’ માટે કામ કરતો હતો. સરબજિત સિંઘ પોતે પકડાયા પછી ભારત સરકારે કે ‘રૉ’એ તેમની કાળજી ન લીધી તેવો પણ આરોપ લગાવ્યો હતો. એ રીતે કુલભૂષણ જાધવ પણ પાકિસ્તાનમાં જાસૂસી કરતા પકડાયા હતા – તેવી પાકિસ્તાનની તપાસ એજન્સીઓ પુરાવા રજૂ કરતી રહી છે. 2016માં બલુચિસ્તાનમાં જાસૂસી અર્થે કુલભૂષણ જાધવને મોકલવામાં આવ્યા હતા. એવું કહેવાય છે કે કુલભૂષણ જાધવ મૂળે ઇન્ડિયન નેવીમાં અધિકારી તરીકે કાર્યરત હતા પરંતુ તે પછી તેઓ ‘રૉ’માં જોડાયા અને પાકિસ્તાન ગયા. સરબજિત સિંઘ અને કુલભૂષણ સિવાય પાકિસ્તાનમાં જાસૂસી કરનારાં જે નામો પાકિસ્તાનની એજન્સીઓ આપે છે તેમાં ગોપાલ દાસ, રામ પ્રકાશ, કાશ્મીર સિંઘ, રમરાજ, શેખ શમીમ, સતપાલ, મેહમૂલ ઇલાહી, ગુરબક્શ રામ, વિનોદ સાહની અને બલવીરસિંઘ છે. આ તો જેમની વિગત પ્રકાશમાં આવી તેવા જાસૂસ છે, બાકી ભારતના અગણિત જાસૂસે શહીદી પણ વહોરી હશે. જાસૂસીની દુનિયામાં અનેક વિગત બહાર ન લાવવાનો અલિખિત આદેશ હોય છે. સરબજિત અને કુલભૂષણ સિવાય અન્ય જાસૂસોની વિગત ભાગ્યે જ મીડિયામાં એટલી પ્રકાશિત થઈ હશે. જો કે આ તમામને મહદંશે પાકિસ્તાનની સરકારે મુક્ત કરી દીધા છે. જાસૂસીના કામમાં આવાં અનેક જીવન કુરબાન થયાં હશે. 1971માં ભારત વતી પાકિસ્તાનની જાસૂસી માટે શેહમત નામની એક યુવતીએ પાકિસ્તાનના સૈન્ય અધિકારી સાથે લગ્ન કર્યાં હતાં અને ત્યાંથી અગત્યની ઇન્ફોર્મેશન અહીંયા મોકલી હતી. એવું કહેવાય છે કે 1971માં શેહમત દ્વારા આ ઇન્ફોર્મેશનથી અનેક લોકોના જીવ બચાવી શકાયા હતા. ભારત વતી પાકિસ્તાનમાં જાસૂસીની વાત આવે ત્યારે એક નામ અચૂક લેવું પડે તે છે રવીન્દ્ર કૌશિકનું. 1975ના અરસામાં રવીન્દ્ર કૌશિકને ટ્રેનિંગ આપીને પાકિસ્તાન મોકલવામાં આવ્યા હતા. પાકિસ્તાનમાં જઈને રવીન્દ્ર કૌશિકે ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો અને નબી અહમદ શકીર નામ ધારણ કર્યું. કરાચી યુનિવર્સિટીમાંથી વકીલાતનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ રવીન્દ્ર કૌશિક પાકિસ્તાનના સૈન્યમાં જોડાયા. સ્થાનિક યુવતી સાથે લગ્ન કર્યા અને પછીથી પાકિસ્તાનના સૈન્યમાં છેક મેજરના પદ સુધી પહોંચ્યા. રવીન્દ્ર કૌશિકે જે રીતે પોતાની જાસૂસ તરીકેની છબિ છૂપી રાખીને કામ કર્યું હતું તેથી તેમને તત્કાલીન વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીએ ‘ધ બ્લેક ટાઇગર’ નામ આપ્યું હતું. જો કે 1985માં એક માહિતીની આપલે કરતી વેળાએ રવીન્દ્ર કૌશિક પાકિસ્તાનના ઇન્ટર સર્વિસ ઇન્ટેલિજન્સના હાથે પકડાયા. તેમને મૃત્યુદંડની સજા મળી હતી. તે પછી પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે તે સજા આજીવન કેદમાં તબદીલ કરી. 2001માં તેમનું પાકિસ્તાનની સેન્ટ્રલ મિયાનવાલી જેલમાં અવસાન થયું. જાસૂસીની આ દુનિયાની ખબરો સંપૂર્ણ રીતે ક્યારેય સામે આવતી નથી. જે આવે છે તે પણ સાચી છે કે નહીં તેના આધાર-પુરાવા હોતા નથી કારણ કે જાસૂસીના કામમાં પાયાની વાત એવી આવે છે કે કોઈ પણ પુરાવા છોડવા નહીં. આ સિવાય પણ અનેક જાસૂસી કેસની અહીંયા વિગત ઉમેરી શકાય પણ તે ખૂબ બૃહદ વિષય છે – અહીંયા તેની માત્ર ઝલક આપી છે.

Most Popular

To Top