દેશના અર્થતંત્રમાં છેલ્લા કેટલાક સમયથી અમુક સંકેતો સારા દેખાતા નથી. શેરબજાર અમુક દિવસોના અપવાદો બાદ કરતા છેલ્લા કેટલાક મહિનાઓથી સતત નબળાઇ બતાવી રહ્યું છે. વિેદેશી મૂડીરોકાણનો પ્રવાહ ઘણા પ્રમાણમાં દેશની બહાર ખેંચાઇ ગયો છે. અને શેરબજારને દેશના અર્થતંત્રની સ્થિતિનું માપદંડ ન ગણએ તો પણ મોંઘવારી તો મહિનાઓથી સામાન્ય નાગરિકને પરેશાન કરી રહી છે. ખાસ કરીને ખાદ્ય ચીજવસ્તુઓના ઉંચા ભાવો સામાન્ય વ્યકિતને પરેશાન કરી રહ્યા છે. બીજી બાજુ દેશનો વિકાસ દર ધીમો પડ્યો હોવાનું સત્તાવાર રીતે કબૂલવામાં આવ્યું છે અને હવે આરબીઆઇએ પણ ચાલુ નાણાકીય વર્ષ માટે દેશના વિકાસદરનો અંદાજ ઘટાડ્યો છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ શુક્રવારે ચાલુ નાણાકીય વર્ષ માટે દેશના વિકાસ દરનો અંદાજ તીવ્ર રીતે ઘટાડીને અગાઉના ૭.૨ ટકા પરથી ૬.૬ ટકા કર્યો હતો અને ધીમી પડેલી આર્થિક પ્રવૃતિઓ અને ખોરાકી ચીજવસ્તુઓમાં જડ રીતે ઉંચી રહેલી મોંધવારી વચ્ચે ફુગાવાની આગાહી ૪.૮ ટકાની કરી હતી.
ચાલુ નાણાકીય વર્ષના જુલાઇ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં તો ભારતનો જીડીપી વિકાસ દર ઘટીને ૭ ક્વાર્ટરના નીચા એવા પ.૪ ટકાના દરે પહોંચ્યો હતો જેની સામે આ ગાળાના દર માટે આરબીઆઇની પોતાની ધારણા ૭ ટકાની હતી. આ વિકાસદરને અપેક્ષા કરતા નીચો ગણાવતા આરબીઆઇના ગવર્નર શક્તિકાંત દાસે સાથે એવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે અત્યાર સુધી ઉપલબ્ધ હાઇ ફ્રિકવન્સી ઇન્ડિકેટરોએ સૂચવ્યું છે કે ડોમેસ્ટિક આર્થિક પ્રવૃતિ ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ના બીજા ત્રિમાસિક ગાળામાં બોટમ્ડ આઉટ થઇ ગઇ છે અને ત્યારથી રિકવર થઇ છે જેની તહેવારોની મજબૂત માગ અને ગ્રામ્પ પ્રવૃતિઓમાં આવેલા વેગથી મદદ મળી છે.
ખરીફ પાકનું તંદુરસ્ત ઉત્પાદન, જળાશયોનું ઉંચુ સ્તર અને બહેતર રવિ પાકની રોપણી દ્વારા કૃષિ વિકાસને ટેકો મળ્યો છે અને ઔદ્યોગિક પ્રવૃતિ અગાઉના ક્વાર્ટરની નીચાઇએથી સામાન્ય થવાની અપેક્ષા છે એમ તેમણે જણાવ્યું હતું. ચોમાસુ ઋતુનો અંત અને સરકારના મૂડી ખર્ચમાં વધારો સિમેન્ટ, આયર્ન અને સ્ટીલ સેકટરોને કેટલોક વેગ આપી શકે છે. માઇનિંગ અને ઇલેકટ્રિસિટી પણ ચોમાસાને લગતી ખોરવણીઓ પછી સામાન્ય થવાની અપેક્ષા છે એમ દાસે કહ્યું હતું. ટૂંકમાં, ધીમા પડેલા વિકાસદર છતાં તેમણે દેશના અર્થતંત્રનું ગુલાબી ચિત્ર રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. માગની બાજુએ જોઇએ તો ગ્રામ્ય માગ ઉપર તરફ જઇ રહી છે જ્યારે શહેરી માગ હાઇ બેઝ પર મધ્યમતા દર્શાવી રહી છે. તેમણે વિવિધ પરિબળોને ધ્યાનમાં લઇને ૨૦૨૪-૨૫ માટે રિઅલ જીડીપી વિકાસ ૬.૬ ટકાનો રહેવાનો અંદાજ મૂક્યો હતો જ્યારે ત્રીજા ક્વાર્ટરમાં તે ૬.૮ ટકા અને ચોથામાં ૭.૨ ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો. જો કે અગાઉ ઉંચા વિકાસદરના અંદાજો મૂકાયા બાદ બાદમાં તે ઘટાડવા પડ્યા હોય તેવું અનેક વખત બન્યું છે. દેશનો આર્થિક વિકાસ દર હાલમાં ધીમો પડ્યો તે માટે વૈશ્વિક પરિબળો અને સ્થાનિક પરિબળો – બંને જવાબદાર જણાઇ રહ્યા છે.
રિઝર્વ બન્કે શુક્રવારે પોતાનો મહત્વનો વ્યાજ દર ફુગાવાના જોખમનું કારણ આપીને કોઇ પણ ફેરફાર વિના યથાવત રાખ્યો હતો, પણ બેંકોએ જે દરે મધ્યસ્થ બેંક પાસે પોતાની થાપણ રાખવી પડે છે તે કેશ રિઝર્વ રેશિયોમાં કાપ મૂક્યો હતો જેથી ધિરાણકર્તા બેંકો પાસે નાણા વધુ રહી શકે જેનાથી મંદ પડતા અર્થતંત્રને મદદ મળી શકે. દેખીતી રીતે બેન્કો છૂટથી ધિરાણ આપી શકે તે માટે સીઆરઆરમાં કાપ મૂકવામાં આવ્યો છે.
જ્યારે ભારતનો જીડીપી વિકાસદર અપેક્ષા કરતા ઘણો નીચો જુલાઇ મહીનામાં ગયો છે ત્યારે આરબીઆઇ પાસે બહુ ઓછા વિકલ્પો હતા. તેની નાણાકીય નીતિ સમિતિએ વિક્મી સતત ૧૧મી બેઠકમાં રેપો રેટ ૬.૫ ટકા પર યથાવત રાખ્યો હતો. છ સભ્યોની આ સમિતિમાંથી ચાર સભ્યોએ રેપો રેટમાં યથાવત સ્થિતિ જાળવી રાખવાની તરફેણમાં મત આપ્યો હતો જ્યારે તેનો પોલિસી અભિગમ ન્યુટ્રલ રાખ્યો છે.
સમિતિના બહારના બે સભ્યોએ પા પોઇન્ટના ઘટાડા માટે મત આપ્યો હતો. બેંકોએ જે પ્રમાણમાં પોતાની થાપણો ફરજિયાતપણે રિઝર્વ બેન્કમાં રાખવી પડે છે તે કેશ રિઝર્વ રેશિયો પ૦ બેઝિસ પોઇન્ટથી ઘટાડીને ૪ ટકા કરવામાં આવ્યો છે, આ કાપ મૂકાવાથી બેન્કિંગ સિસ્ટમમાં ૧.૧૬ લાખ કરોડ ઠલવાશે અને જે ટૂંકાગાળાના વ્યાજ દરો હળવા બનાવશે અને બેંક થાપણોના દરો પરનું દબાણ પણ ઘટાડશે. એક નિષ્ણાતે જણાવ્યું હતું કે અમે ફેબ્રુઆરીમાં રેપો રેટમાં ૨૫ બેઝિસ પોઇન્ટના કાપનો અવકાશ જોઇએ છીએ જે વિકાસદર નીચો જવાનું જોખમ કેટલું છે તેના પર આધાર રાખશે. જો કે અર્થતંત્રની અત્યારની સ્થિતિ જોતા દેશના અર્થતંત્રને હાલ તુરંત ફરી પૂરપાટ દોડતું કરવા માટે કપરા ચડાણ છે તેમ લાગે છે.