Vadodara

દેવ ડેમના ત્રણ દરવાજા ખોલાયા, વાઘોડિયા – ડભોઇના 26 ગામોમાં પુરનું સંકટ

*દેવ ડેમનું રૂલ લેવલ જાળવવા જળાશયના ત્રણ દરવાજા પોઇન્ટ ૩૦ મીટર સુધી ખોલાયા: દેવ ડેમની હાલની સપાટી ૮૮.૬૪ મીટર નોંધાઈ*

*જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પાણી છોડવાની સ્થિતિમાં નદીમાં પૂર આવવાના સંજોગોને કારણે વાઘોડિયા અને ડભોઈ તાલુકાના ૨૬ ગામોના લોકોને કરાયા સાવચેત*

વાઘોડિયા નજીક આવેલા દેવ ડેમમાં સતત પાણીની આવકના કારણે છલકાવાની સ્થિતિ છે અને તે બાબતને ધ્યાને લઈ નદીના કિનારે આવેલા ગામોના લોકોને સાવચેત કરવામાં આવ્યા છે.

જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના જણાવ્યા મુજબ દેવ જળાશયની જળ સપાટી સવારે ૧૦ કલાકે ૮૮.૬૦ મીટરથી વઘીને ૮૮.૬૪ મીટર થયેલ છે. છે. જળાશયના ઉપરવાસમાં સતત વરસાદને કારણે રૂલ લેવલ જાળવવા જળાશયના બે દરવાજા ગેટ નં. ૪ અને પ જે પોઇન્ટ ર૦ મીટર ખુલ્લા છે તેને ૧૧ કલાકે પોઇન્ટ ૩૦ મીટર ખોલવામાં આવશે અને એક વઘારાનો દરવાજો ગેટ નં.૩ ૦.૩૦ મીટર ખોલવામાં આવશે. આમ, ડેમમાંથી કુલ વહન થતો પાણીનો પ્રવાહ ૮૩.૪૯ કયુમેકસ અને કયુસેકમાં ર૯૪૮.૪૫ કયુસેક થશે.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નદી કાંઠાના ગામોના લોકોને સાવચેત કરવા સાથે તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે.જિલ્લા કલેકટર શ્રી બીજલ શાહે તાલુકા લાયઝન અધિકારીઓને સ્થિતિ પર નજર રાખી અગમચેતીના તમામ જરૂરી પગલાં લેવા પ્રાંત અધિકારી વડોદરા ગ્રામ્ય, ડભોઇ, કરજણ, મામલતદાર,તાલુકા વિકાસ અધિકારી અને તલાટીઓએ મુખ્ય મથકે હાજર રહેવા સૂચના આપી છે.વધુ પૂરના સંજોગોમાં સલામત સ્થળે ખસી જવાની પણ લોકોને તાકીદ કરવામાં આવી છે.

દેવ ડેમમાં છોડવામાં આવી રહેલા પાણીના કારણે પરિણામે વડોદરા જિલ્લાના વાઘોડીયા અને ડભોઇ તાલુકાના ૨૫ ગામોના નાગરિકોને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સચેત રહેવા સૂચના આપવામાં આવી છે. નદીઓમાં પાણી ઉફાન ઉપર હોય ત્યારે તેને પાર કરવાનું દુઃસાહસ ના કરવા નાગરિકોને અપીલ કરવામાં આવી છે.

દેવ નદીના કાંઠાગાળાના પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના સોનાવીટી, રસસાગર, ગડીત, સોનીપુર, કુબેરપુરા, ઇન્દ્રાલ, બાધરપુરી,વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના બનૈયા, અબ્દુલપુરા, કડાદરા, કરાલી, ગોજાલી, કડાદરાપુરા, વાયદપુર અને વાઘોડીયા તાલુકાના ફલોડ, વેજલપુર, વલવા, ઝવેરપુરા, ગોરજ, મહાદેવપુરા, દંખેડા, અંબાલી, પાટીયાપુરા, મુનિ આશ્રમ, મુવાડા, જેપુરા, અંટોલી, વનકુવા, ઘોડાદરા, વ્યારા, ઢોલાર, કાગદીપુરા, આંકડીપુરા ગામોના નાગરિકોને સતર્ક રહેવા જિલ્લા પ્રશાસન દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે.

જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન મંડળ દ્વારા પરિસ્થિતિ ઉપર નજર રાખવામાં આવી રહી છે. આપત્તિના સમયે ૧૦૭૭ નંબર ઉપર સંપર્ક કરી શકાય છે.
૦૦૦

Most Popular

To Top