Devgadh baria

દેવગઢ બારીઆમાં કોલેજ પાછળ આવેલા સંપમાં દીપડો ખાબક્યો

દેવગઢ બારીયા: દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ નગરમાં કોલેજ પાછળ આવેલા એક સંપમાં દીપડો ખાબકવાની ઘટના સામે આવી છે. સ્ટેટ વિસ્તાર નજીક આવેલા સંપમાં દીપડો ખાબકતા નગરમાં અચાનક દહેશત ફેલાઈ ગઈ હતી.

પ્રાથમિક માહિતી મુજબ રાત્રિના સમયે શિકારની શોધમાં આવેલો દીપડો સંપમાં ખાબક્યો હોવાનું અનુમાન છે. દીપડો સંપમાં પડ્યો હોવાની વાત વાયુવેગે સમગ્ર નગરમાં ફેલાતાં મોટી સંખ્યામાં નગરજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટનાને પગલે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

સ્થાનિક વન વિભાગને જાણ થતાં જ વનકર્મીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. સુરક્ષાના ભાગરૂપે વન વિભાગ દ્વારા સંપ આસપાસનો વિસ્તાર કાર્ડન કરવામાં આવ્યો હતો અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તકેદારી રાખવામાં આવી હતી.

વન વિભાગ દ્વારા મોડી રાત્રિના સમયે દીપડાનું રેસ્ક્યુ હાથ ધરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. દીપડાને સલામત રીતે બહાર કાઢી નજીકના જંગલ વિસ્તારમાં છોડવાની કાર્યવાહી કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.

આ ઘટનાથી દેવગઢ બારીઆ નગરમાં ભય સાથે જ ઉત્સુકતાનું વાતાવરણ જોવા મળ્યું હતું અને મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા.

રિપોર્ટર: નવીન સિક્લીગર

Most Popular

To Top