દાહોદ:
દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકામાં વીતેલા ૨૪ કલાક દરમિયાન જુદી જુદી જગ્યાએ બનેલા સર્પદંશના બે બનાવોમાં ૯ વર્ષીય બાળક સહિત બેના મોત નીપજ્યાનું જાણવા મળ્યું છે.
દેવગઢ બારિયા તાલુકામાં સર્પદંશના બનેલા બે બનાવો પૈકીનો એક બનાવ દુખડી ગામે ખેડા ફળિયામાં રાત્રિના સમયે બનવા પામ્યો હતો. જેમાં દુખડી ગામના ખેડા ફળિયામાં રહેતા નરવતભાઈ અભેસિંગભાઈ પટેલનો છોકરો ૯ વર્ષીય જગદીશભાઈ નરવતભાઈ પટેલ ગત રાતે જમી પરવારી પોતાના ઘરમાં સૂઈ ગયો હતો. રાતે ઊંઘમાં આકસ્મિક રીતે તેના જમણા હાથની વચલી આંગળી પર કાળોતરો કરડી જતાં તેને સારવાર માટે દેવગઢ બારિયા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની હાલત વધુ બગડતા તેને વધુ સારવાર માટે ગોધરા રીફર કરવામાં આવ્યો હતો અને તેને દેવગઢ બારિયાથી ગોધરા લઈ જતા રસ્તામાં જ અસાયડી ગામે તેને દમ તોડી દીધો. આ મામલે મરણ જનાર જગદીશભાઈ પટેલના પિતા દુખડી ગામના ખેડા ફળિયામાં રહેતા નરવતભાઈ અભેસિંગભાઈ પટેલે દેવગઢ બારીયા પોલીસ સ્ટેશને આ અંગેની લેખિત જાણ કરતા દેવગઢ બારિયા પોલીસે આ સંદર્ભે સીઆરપીસી ૧૭૪ મુજબ અકસ્માત મોતના ગુનાના કાગળિયા કરી આગળ વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે સર્પદંશનો બીજો બનાવ બૈણા ગામે જૂના ફળિયામાં બનવા પામ્યો હતો. જેમાં બૈણા ગામના જૂના ફળિયામાં રહેતા ૫૮ વર્ષીય પરેશભાઈ માવસિંગભાઈ રાઠવા સવારના સાડા આઠેક વાગ્યાના સુમારે પોતાના ખેતરમાં મકાઈનું વાવેતર કરવા હળ હાંકવા માટે ગયા હતા. અને ખેતરમાં હળ હાંકી રહ્યા હતા, તે વખતે જમીન ખેડેલ હોય તો સાપ માટી જેવા રંગનો હોવાથી તે જોવાયેલ નહીં અને હળ હાંકતી વખતે હરેશભાઈ રાઠવાનો જમણો પગ સાપ પર પડતાં તેઓનાં જમણા પગની એડીના ભાગે સાપ કરડી જતા સારવાર માટે તેઓને દેવગઢ બારીયાના સરકારી દવાખાનામાં ખસેડતા જ્યાં સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું હતું. આ સંબંધે મરણ જનાર પરેશભાઈ રાઠવાના ભત્રીજા બીપીનભાઈ ગોપાલભાઈ રાઠવાએ દેવગઢ બારિયા પોલીસ સ્ટેશનમાં લેખિત જાણ કરતા બારીયા પોલીસે આ સંદર્ભે સીઆરપીસી ૧૭૪ મુજબ અકસ્માત મોતના ગુનાના કાગળીયા કરી આગળ વધુ તપાસ હાથ ધરી છે.