Vadodara

દુમાડ ચોકડી પાસે હાઈવે પર કેમિકલ ઢોળાતા 5 KM લાંબો ટ્રાફિક જામ; ઈકો કાર પલટી

યુદ્ધના ધોરણે કામગીરી કરીને પોલીસે અને ફાયર વિભાગે માર્ગ પૂર્વવત કર્યો; કોઈ જાનહાનિ નહીં, પણ વાહનચાલકો અટવાયા

વડોદરા::વડોદરા પાસેથી પસાર થતા નેશનલ હાઈવે 48 પર આજે સવારે કેમિકલ ઢોળાવાની ગંભીર ઘટના બની હતી, જેના કારણે હાઈવેનો એક તરફનો માર્ગ બંધ કરવાની ફરજ પડી હતી. આ ઘટનાને પગલે હાઈવે પર લગભગ પાંચ કિલોમીટરથી વધુ લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. જોકે, ફાયર વિભાગ, પોલીસ અને નેશનલ હાઈવે ઓથોરિટીની ટીમે તાત્કાલિક કામગીરી કરીને માર્ગ ફરી શરૂ કરાવતા વાહનચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

આ ઘટના વડોદરાના દુમાડ ચોકડીથી ગોલ્ડન ચોકડી તરફ આવતા માર્ગ પર વિશ્વામિત્રી બ્રિજ પાસે બની હતી. કોઈ અજાણ્યા વાહનમાંથી કેમિકલ જેવું પ્રવાહી માર્ગ પર ઢોળાઈ ગયું હતું. આ કેમિકલના કારણે માર્ગ ચીકણો બની ગયો હતો, જેનાથી પસાર થતી ગાડીઓ સ્લીપ ખાવા લાગી હતી. આ દરમિયાન એક ઈકો કાર કેમિકલમાં ફસાઈ ગઈ હતી અને પલટી મારી હતી. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.

કેમિકલ ઢોળાવાની જાણ થતાં જ ફાયર વિભાગ, પોલીસ અને નેશનલ હાઈવે ઓથોરિટીની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. કંટ્રોલ રૂમમાંથી કોલ મળતા ERC ફાયર સ્ટેશનની ટીમે પહોંચીને જોયું કે દેણા ચોકડી નજીક કેમિકલ ઢોળાયું છે. તેમણે કેમિકલમાં ફસાયેલી અને પલટી મારેલી ઈકો કારને બહાર કાઢી હતી. માર્ગ પરથી પસાર થતા અન્ય વાહનો સ્લીપ ન થાય તે માટે જેસીબીની મદદથી તાત્કાલિક કેમિકલ પર માટી નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

માર્ગ પર કેમિકલ સાફ કરવાની અને માટી નાખવાની કામગીરીના કારણે નેશનલ હાઇવે 48 પર ભારે ચક્કાજામની સ્થિતિ ઊભી થઈ હતી. અમદાવાદથી સુરત તરફ જતા માર્ગ પર ટ્રાફિકજામનો સિલસિલો દુમાડ ચોકડી અને એક્સપ્રેસ વે સુધી પહોંચ્યો હતો, જેની લંબાઈ પાંચ કિલોમીટરથી પણ વધુ નોંધાઈ હતી. વાહનચાલકો અટવાયા હતા.

પોલીસ, ફાયર અને નેશનલ હાઈવેની ટીમોએ યુદ્ધના ધોરણે કરેલી કામગીરીના પરિણામે ગણતરીની મિનિટોમાં જ માર્ગ ફરીથી વાહનવ્યવહાર માટે શરૂ કરી દેવામાં આવ્યો હતો. ટ્રાફિક હળવો કરવા માટે ટ્રાફિક પોલીસ હાલમાં પણ કામગીરી કરી રહી છે. લાંબા સમય બાદ રસ્તો ખૂલતા અમદાવાદથી સુરત તરફ જઈ રહેલા વાહનચાલકોને મોટી રાહત મળી હતી.

Most Popular

To Top