( પ્રતિનિધી )વડોદરા,તા.16
દીપાવલીના તહેવારોને લઈ દૂર દૂરથી પેટિયું રળવા આવતા શ્રમજીવીઓ સહિતના વિવિધ વર્ગના લોકો પોતાના માદરે વતન જઈ રહ્યા છે. જેને પગલે એસટી ડેપો ખાતે મુસાફરોનો ધસારો જોવા મળ્યો હતો. જ્યારે એસટી વિભાગ દ્વારા આગામી 20 તારીખ સુધી 85 બસો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. જેથી મુસાફરોને મુસાફરીમાં કોઈ અગવડ ન પડે.

પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ દિપાવલીના તહેવારની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે. ત્યારે રાજ્ય બહારથી વડોદરા આવી પોતાની આજીવિકા ઊભી કરતા કારીગરો શ્રમિકો સહિત કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દીપાવલીના તહેવારમાં માદરે વતન ફરી રહ્યા છે. જેને લઇ વડોદરા એસટી ડેપો ખાતે દરરોજ મુસાફરોનો ઘસારો વધવા માંડ્યો છે. ત્યારે મુસાફરોને પહોંચી વળવા માટે દર વખતની જેમ આ વખતે પણ એસટી વિભાગ દ્વારા 500 થી વધુ 200 દોડાવવાનું આયોજન કર્યું છે. આ સાથે જ વડોદરા એસટી ડેપો ખાતે 85 જેટલી બસોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે અને દરરોજની 170 ટ્રીપો મારવામાં આવશે. જ્યારે મુસાફરોને કોઈ અગવડ ન પડે તે માટે આઠ જેટલા સુપરવાઇઝરો પર ખડે પગે રહેશે.

ખાસ કરીને પંચમહાલ, દાહોદ, ઝાલોદ , સંતરામપુર આ ઉપરાંત આ વખતે અમદાવાદ, સૌરાષ્ટ્ર અને સુરત માટે પણ 200 બસ ફાળવવામાં આવી છે. તેવી જ રીતે દિવાળી પછી એટલે કે આગામી 22 મી તારીખે પરત ફરતા મુસાફરોના ધસારાને પહોંચી વળવા માટે તા. 22 થી 27 મી તારીખ સુધી વધારાની 270 જેટલી બસો દોડાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.
