નાથદ્વારાથી પરત ફરતી XUV ટ્રક પાછળ ઘુસતા એકનું કરૂણ મોત
ભરૂચ, તા. 27:
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર પૂરઝડપે દોડતા વાહનો વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. આમોદ તાલુકાના કુરચણ ગામ નજીક એક XUV કાર આગળ જતી ટ્રકના પાછળના ભાગે ધડાકાભેર અથડાતા એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું છે.
મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લાના નેત્રંગમાં રહેતા દર્શનાર્થી પરિવાર Shrinathji Temple ખાતે દર્શન કરી પોતાની XUV કારમાં પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન આમોદના કુરચણ ગામ પાસે એક્સપ્રેસવે પર આગળ જતી ટ્રકની પાછળ કાર ઘૂસી ગઈ હતી.
અકસ્માત એટલો ભયાનક હતો કે કારના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. કારમાં સાઈડ પર બેઠેલા જયેશભાઈ વલ્લભભાઈ (ઉ.વ. 51) ને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.
અકસાન બાદ હાઈવે પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી. ઘટનાની જાણ થતા જ આમોદ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાથમિક અનુમાન મુજબ વધુ પડતી ઝડપ અકસ્માતનું મુખ્ય કારણ હોવાનું મનાઈ રહ્યું છે.