Nadiad

દિનશા પટેલ કોલેજના વિદ્યાર્થીના આપઘાત મામલે નડિયાદમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ

એસપી કચેરીએ ઉગ્ર દેખાવો, સુસાઈડ નોટમાં સ્ટાફના ત્રાસનો ઉલ્લેખ હોવા છતાં પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આનાકાની કરાતી હોવાનો આક્ષેપ, તપાસ DYSPને સોંપવા માંગ
(પ્રતિનિધિ) નડિયાદ, તા.4
નડિયાદની દિનશા પટેલ કોલેજના આશાસ્પદ વિદ્યાર્થીના આપઘાત મામલે કોલેજ સ્ટાફના ત્રાસના આક્ષેપો સાથે અનુસૂચિત જાતિ સમાજે જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી છે. સુસાઈડ નોટમાં સ્પષ્ટ કારણો હોવા છતાં પોલીસ દ્વારા તપાસમાં ઢીલી નીતિ અપનાવી આરોપીઓને છાવરવામાં આવતા હોવાના આક્ષેપ સાથે સમગ્ર કેસની તપાસ તાત્કાલિક DYSP ને સોંપવા ઉગ્ર માંગ ઉઠી છે.

નડિયાદની દિનશા પટેલ કોલેજમાં નર્સિંગનો અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના આશાસ્પદ વિદ્યાર્થી જય પાટીલના આપઘાત પ્રકરણે સમગ્ર જિલ્લામાં ચકચાર મચાવી છે. આ ઘટનાને પગલે આજે પીડિત પરિવાર અને અનુસૂચિત જાતિ સમાજના અગ્રણીઓએ મોટી સંખ્યામાં એકઠા થઈ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગ કરી હતી.

પરિવારે ગંભીર આક્ષેપ કર્યો છે કે જયના આપઘાત પાછળ કોલેજ સ્ટાફનો માનસિક ત્રાસ જવાબદાર છે અને મરતા પહેલા લખેલી સુસાઈડ નોટમાં સ્પષ્ટ કારણો હોવા છતાં પોલીસ તંત્ર આરોપીઓને છાવરવા માટે ‘લેસન’ ન કર્યાનું નબળું બહાનું આગળ ધરી રહ્યું છે. આટલી ગંભીર ઘટના બાદ પણ અત્યાર સુધી કોઈ નક્કર કાર્યવાહી ન થતા પ્રશાસનની નિષ્ક્રિયતા સામે લોકરોષ ફાટી નીકળ્યો છે.

આવેદનપત્રમાં જણાવાયું છે કે સ્થાનિક પોલીસની તપાસ રાજકીય અને આર્થિક દબાણ હેઠળ હોવાનું જણાઈ રહ્યું છે, તેથી આ કેસની તપાસ તાત્કાલિક ધોરણે DYSP કક્ષાના ઉચ્ચ અધિકારીને સોંપવી જોઈએ. અત્યાચાર ધારાની જોગવાઈઓ મુજબ કોલેજ સ્ટાફના સંડોવાયેલા વ્યક્તિઓ સામે તાત્કાલિક એફઆઈઆર નોંધી ધરપકડ કરવાની માંગ સાથે ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો ઢીલી નીતિ ચાલુ રહેશે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન છેડવામાં આવશે. કોલેજ સ્ટાફ દ્વારા વિદ્યાર્થીને મરવા મજબૂર કરવાના આ કૃત્યમાં પોલીસની ભૂમિકા શંકાના દાયરામાં આવી છે, કારણ કે સુસાઈડ નોટ જેવા મજબૂત પુરાવા હોવા છતાં હજુ સુધી નિવેદનો લેવાની તસ્દી પણ લેવામાં આવી નથી. આ મામલે જો ન્યાય નહીં મળે તો લડત વધુ તેજ કરવાની સમાજના આગેવાનોએ તૈયારી બતાવી છે.

તંત્ર દ્વારા ભીનું સંકેલવાનો પ્રયાસ?
મૃતક વિદ્યાર્થીના પિતા વિજયભાઈએ પોલીસની કાર્યપદ્ધતિ પર સવાલ ઉઠાવતા જણાવ્યું છે કે સુસાઈડ નોટમાં સ્પષ્ટપણે ત્રાસ આપનારાઓના નામ અને કારણો હોવા છતાં પોલીસ તેને સાઈડ પર રાખી રહી છે. પોલીસે આત્મહત્યાનું કારણ હોમવર્ક ન કર્યા હોવાનું બતાવીને સમગ્ર કેસને રફેદફે કરવાની દિશામાં કામ શરૂ કર્યું હોવાનો આક્ષેપ થતા પોલીસની વિશ્વસનીયતા સામે મોટા પ્રશ્નાર્થ ચિહ્ન સર્જાયા છે.

દબાણ વશ તપાસ થતી હોવાની આશંકા
દલિત સમાજની રજૂઆત મુજબ દિનશા પટેલ કોલેજ એક મોટું શૈક્ષણિક સંસ્થાન હોવાથી તેના સંચાલકો કે સ્ટાફને બચાવવા માટે વહીવટી તંત્ર પર રાજકીય પ્રભાવ હોઈ શકે છે. આ સંજોગોમાં ન્યાયી તપાસ માટે તપાસ અધિકારી બદલવા અને કોલેજ સ્ટાફના જવાબદારોની ત્વરિત પૂછપરછ કરવાની માંગ ઉઠી છે. જો પોલીસ ન્યાય પક્ષે નહીં ઉભી રહે તો આગામી દિવસોમાં આ મામલો રાજ્ય સ્તરે પહોંચાડવાની પણ તૈયારી છે.

Most Popular

To Top