એક મહિલા સહિત ત્રણ વ્યક્તિઓના દુઃખદ અવસાન
દાહોદ: દાહોદ શહેર તથા જિલ્લામાં જુદી જુદી જગ્યાએ બનેલી અકસ્માત મોતની ત્રણ અલગ ઘટનાઓમાં એક મહિલા સહિત ત્રણ જણાના અટાણે મોત નિપજયાની ઘટના સામે આવી છે.
🔴 ઘટના–1 : ધાનપુર તાલુકાના નાકટી ગામે ગેસ લીકેજથી મહિલાનું મોત
ધાનપુર તાલુકાના નાકટી ગામના માળ ફળિયામાં ગત રાત્રે સાડા સાત વાગ્યાના સુમારે એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો.
નાકટી ગામના માળ ફળિયામાં રહેતા નવીનભાઈ ચતુરભાઈ બારીયાની પત્ની ૩૫ વર્ષીય ચંદ્રિકાબેન નવીનભાઈ બારીયા પોતાના ઘરમાં રસોઈ બનાવી રહ્યા હતા.
આ દરમિયાન અચાનક ગેસના બાટલામાંથી ગેસ લીકેજ થતા આગ ભભૂકી ઉઠી હતી. ગંભીર રીતે દાઝી ગયેલા ચંદ્રિકાબેનને તાત્કાલિક દેવગઢ બારીયાની બુટાલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે દેવગઢ બારીયાની સરકારી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નિપજયું હતું.
આ મામલે ધાનપુર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે.
🔴 ઘટના–2 : દાહોદ શહેરમાં ગટરમાં પડી જતા યુવાનનું મોત
દાહોદ શહેરની રળીયાતી નવી વસાહતમાં રહેતા ૨૭ વર્ષીય નરેશભાઈ રમસુભાઈ બિલવાળ તારીખ ૧૦-૧૨-૨૦૨૫ના રોજ સવારના આઠ વાગ્યાના સુમારે ઘરેથી નીકળ્યા હતા.
તેમની લાશ ગઈકાલે બપોરે અગિયાર વાગ્યાના સુમારે દાહોદ જીઈબી ઓફિસ સામે આવેલ નદીના પુલ પાસેની ગટરમાંથી મળી આવી હતી. પોલીસ તપાસ મુજબ નરેશભાઈ અકસ્માતે ગટરમાં પડી ગયા હતા અને ગટરમાં ભરાયેલું પાણી પીવાઈ જતા તેમનું મોત થયું હોવાની નોંધ કરવામાં આવી છે.
દાહોદ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધાવી આગળની તપાસ શરૂ કરી છે.
🔴 ઘટના–3 : રળીયાતી રોડ પર વૃદ્ધ અચાનક બેભાન થતા મોત
દાહોદ શહેરના રળીયાતી રોડ પર આવેલા લક્ષ્મીનગર વિસ્તારમાં રાત્રિના સાડા આઠ વાગ્યાના સુમારે ત્રીજી ઘટના બની હતી.
લક્ષ્મીનગર મકાન નંબર–૩૦૯માં રહેતા ૬૩ વર્ષીય નરેન્દ્રભાઈ બાગમલ દોશી પોતાના ઘરમાં જમીન પરવારી બેઠા હતા.
તે સમયે અચાનક તેઓ બેભાન થઈ પડ્યા હતા. પરિવારજનો તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં તબીબે તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા.
આ મામલે દાહોદ ટાઉન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.