Vadodara

દાહોદમાં શિક્ષકોએ હદ વટાવી, મહેંદી ફળિયા શાળાના બાળકો પાસે બૂટ ધોવડાવ્યા અને શૌચાલય સાફ કરાવ્યા


દાહોદ તા.૦૪

દાહોદ તાલુકાના રાણાપુર બુઝર્ગ ગામની મહેંદી ફળિયા પ્રાથમિક શાળામાં વિવાદાસ્પદ ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા વીડિયોમાં શાળાની માસૂમ વિદ્યાર્થિનીઓ શિક્ષકોના બૂટ ધોતા અને વિદ્યાર્થીઓ શૌચાલયની સફાઈ કરતા જોવા મળ્યા છે. આ ઘટના એ શાળાના શિક્ષણ વ્યવસ્થાને લઈને ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. આદિવાસી સમાજના ગરીબ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય તેવી સરકારી શાળામાં આવી ઘટના ચિંતાજનક છે. આચાર્યે કહ્યું હતું કે વીડિયો અમારી શાળાનો, પણ એક વર્ષ જૂનો છે.

શાળાના આચાર્ય ભરત પરમાર સાથે ટેલીફોનીક સંપર્ક કરતા તેમણે સ્વીકાર્યું કે વાઈરલ વીડિયો તેમની જ શાળાનો છે. આચાર્યે જણાવ્યું કે, “વીડિયો લગભગ એક વર્ષ જૂનો લાગે છે. મેં કોઈ વિદ્યાર્થીને બૂટ ધોવા કે શૌચાલય સાફ કરવા માટે સુચના આપી નથી. કોના દ્વારા આ કૃત્ય કરાવાયું તે અંગે મને જાણ નથી.”

સી.આર.સી.એ પુછપરછ કરી

સી.આર.સી. મુકેશ નીનામાએ જણાવ્યું કે, “આ વીડિયો 19 જાન્યુઆરીનો છે. તાલુકા શિક્ષણ અધિકારી જીગ્નાબેન અમૃતિયાના આદેશ પર મેં શાળાની મુલાકાત લીધી હતી અને આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓની પુછપરછ કરી હતી. પરંતુ ટીપીઓ દ્વારા કોઈ રિપોર્ટ માંગવામાં આવ્યો ન હતો, તેથી મેં રિપોર્ટ તૈયાર કર્યો નથી.”

તાલુકા શિક્ષણ અધિકારીનું નિવેદન

તાલુકા શિક્ષણ અધિકારી જીગ્નાબેન અમૃતિયાએ જણાવ્યું કે, “મને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા આ ઘટનાની જાણ થઈ હતી. મેં સી.આર.સી. પાસેથી રિપોર્ટ મંગાવ્યો છે અને શાળાની મુલાકાત લઈશ. રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.”

સરકારી ગ્રાન્ટ છતાં સફાઈ કામદારની નિમણૂક નહીં

સરકાર શાળાની સફાઈ માટે વાર્ષિક 18,000 રૂપિયાની ગ્રાન્ટ આપે છે. છતાં, આચાર્ય દ્વારા સફાઈ કામદારની નિમણૂક કરવામાં આવી નથી. ગ્રામજનો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં આ મુદ્દે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.

રાજ્ય સરકારની કન્યા કેળવણીની વાતો પોકળ સાબિત

વિદ્યાર્થીઓ પાસે શિક્ષકોના બૂટ ધોવડાવવાના અને શૌચાલય સાફ કરાવવાના વીડિયો વાઈરલ થયા બાદ રાજ્ય સરકારની કન્યા કેળવણીની વાતો પોકળ સાબિત થઈ છે. આ ઘટનાએ શિક્ષણ વ્યવસ્થાની ખામીઓને ઉજાગર કરી છે.

Most Popular

To Top