દાહોદ, તા.૧૦
દાહોદ શહેર સહિત જિલ્લામાં ગતરોજ રાત્રિના સમયે ઓચિંતો કમોસમી વરસાદ પડતાં ઠંડીમાં વધારો થયો છે. મોડી રાત્રિથી વહેલી સવારના ૦૮ વાગ્યા સુધી વરસાદ પડતાં લોકોને તીવ્ર ઠંડીનો અહેસાસ થયો હતો. ખેડુતોમાં પણ ચિંતાના વાદળો છવાઈ ગયાં છે. જાણવા મળ્યા મુજબ ત્યારે જિલ્લાની એપીએમસીમાં અનાજનો જથ્થો પલળી જતાં મોડી રાત્રિના સમયે વેપારીઓમાં દોડધામ પણ મચી જવા પામી હતી. શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે દાહોદ શહેર સહિત જિલ્લામાં કમોસમી વરસાદ પડતાં તાપમાનનો પારો ગગડતાં હાડ થીજાવતી ઠંડીમાં દાહોદવાસીઓ ઠુઠવાયા છે.માવઠાની આગાહીના પગલે દાહોદ શહેર સહિત જિલ્લામાં ગઈકાલે દિવસ દરમ્યાન વાદળછાયા વાતાવરણ બાદ રાતે દશેક વાગ્યાના સુમારે વાતાવરણમાં એકાએક પલ્ટો આવતાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો હતો.
જિલ્લામાં કેટલીક જગ્યાએ ધીમીધારે તો કેટલીક જગ્યાએ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. દાહોદમાં શરૂઆતમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યા બાદ આખી રાત ઝરમર પડ્યો હતો અને સવારે પણ એક ઝાપટુ પડ્યું હતું. આ કમોસમી વરસાદને કારણે ઘઉં, ચણા જેવા શિયાળું પાકને નુકશાન થયાની ભીતી સેવાઈ રહી છે. દાહોદ જિલ્લામાં શિયાળાની મોડી મોડી જમાવટ બાદ આ કમોસમી વરસાદને કારણે વાતાવરણ ટાઢુંબોળ થઈ જતાં દાહોદવાસીઓ કાતિલ ઠંડીમાં ઠુઠવાયા છે. દાહોદ જિલ્લામાં દાહોદ, દેવગઢ બારીઆ, સંજેલી, ધાનપુર, લીમખેડા સહીતના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસતા ધરતી પુત્રો ચિંતિત બન્યા છે. આ કમોસમી વરસાદને કારણે શહેરમાં ખાંસી, શરદી, તાવની વાયરલ ઈન્ફેક્શનના કેસોમાં વધારો થવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે.
દાહોદમાં રાત્રિના સમયે કમોસમી વરસાદ
By
Posted on