Madhya Gujarat

દાહોદમાં ફર્નિચરની દુકાનની લિફ્ટ તૂટી, એકનું મોત

માણેકચોકમાં દુર્ઘટના, 7ને ગંભીર ઇજા

દાહોદ: દાહોદ શહેરના હાર્દ સમા અને ૨૪ કલાક ધમધમતા એવા માણેકચોક ખાતે એક ફર્નિચરની દુકાનની લીફ્ટ તૂટી પડતા લિફ્ટમાં સવાર ૦૭ વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચી હતી જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યાનું જાણવા મળે છે. ઘટનાને પગલે દાહોદ શહેરમાં ચકચાર મચી જવા પામી હતી.

આજરોજ બપોરના ૨ વાગ્યાના આસપાસ દાહોદ શહેરના માણેકચોક ખાતે આવેલ એક ફર્નિચરની દુકાનમાં દાહોદ તાલુકાના ખરોદા ગામે રહેતા રમીલાબેન ડોડીયાર તથા તેમના પરિવારજનો મળી છ વ્યક્તિઓ આવતીકાલે તેમની દીકરીના લગ્ન હોવાથી દાહોદ શહેરમાં ખરીદી કરવા આવ્યા હતા ત્યારે દાહોદ શહેરના માણેકચોક વિસ્તારમાં આવેલ એક ફર્નિચર ની દુકાનમાં લગ્નનો સામાન લેવા માટે આવ્યા હતા. ત્યારે ફર્નિચરની દુકાનમાં લાગેલ લિફ્ટમાં સવાર થઈ ત્રીજા માળેથી રમીલાબેન તથા તેમના પરિવારના સદસ્યો લિફ્ટમાં સવાર થઈ ત્રીજા માળે જતા હતા ત્યારે એકાએક લિફ્ટ તૂટી પડતા લિફ્ટની સાથે ૦૬ વ્યક્તિઓ જમીન પર ધડાકાભેર ફટકાતા ત્યારે લિફ્ટ ની નીચે કામ કરી રહેલ ફર્નિચર ની દુકાનના કર્મચારી રોહિતભાઈ (રહે. સાહડા તા.ગરબાડા જી.દાહોદ) લિફ્ટ ની નીચે આવી દબાઈ જતા રોહિતભાઈ ને શરીરે, હાથે, પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઇજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યા હતા અને સ્થાનિક લોકો દ્વારા પ્રાથમિક તબક્કે ઇજાગ્રસ્તોને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી હતી ત્યારે ઘટનાની જાણ સ્થાનિક પોલીસ તેમજ 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સને કરવામાં આવતા તમામ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ઈજાગ્રસ્ત વ્યક્તિઓને નજીકના દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ત્યારે પાંચ પૈકી એકની હાલત ગંભીર હોવાનું કહેવાય રહ્યું છે ત્યારે સમગ્ર મામલે સ્થાનિક પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top