Dahod

દાહોદમાં પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસ ઉડાવવાની અફવાથી દોડધામ

ધમકીની અફવા પગલે બંને કચેરીઓ ખાલી કરાઈ, પોલીસનો મોટો કાફલો દોડી આવ્યો
તપાસ બાદ અફવા ખોટી સાબિત, કોઈ વાંધાજનક વસ્તુ ન મળતા રાહત

દાહોદ | તા. 27

દાહોદ શહેરમાં પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસ ઉડાવી દેવાની ધમકીની અફવા ફેલાતાં ભારે દોડધામ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અફવાની જાણ થતાં તાત્કાલિક અસરથી બંને સરકારી કચેરીઓ ખાલી કરાવવામાં આવી હતી.
માહિતી મુજબ, અફવા ફેલાતાની સાથે જ પોલીસને જાણ કરવામાં આવી હતી. જેના પગલે ડીવાયએસપી, પીઆઈ, એસઓજી સહિતનો પોલીસ કાફલો દાહોદની પોસ્ટ ઓફિસ ખાતે પહોંચ્યો હતો અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. સુરક્ષા કારણોસર પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસના કર્મચારીઓ તથા નાગરિકોને બહાર કાઢવામાં આવ્યા હતા.
સઘન તપાસ, કોઈ વાંધાજનક વસ્તુ ન મળી
પોલીસ દ્વારા ઓફિસ પરિસર, આસપાસનો વિસ્તાર તેમજ કોઈ શંકાસ્પદ ઈમેલ કે સંદેશાની પણ તપાસ કરવામાં આવી હતી. જો કે કોઈ વાંધાજનક ચીજવસ્તુ કે ધમકી સંદેશ ન મળતા આખરે અફવા ખોટી સાબિત થઈ હતી, જેના બાદ સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.
બે કલાક સુધી ચાલ્યો ઘટનાક્રમ
આ સમગ્ર ઘટનાક્રમ અંદાજે બે કલાક જેટલો સમય ચાલ્યો, જેના કારણે શહેરમાં ચર્ચાઓનો માહોલ રહ્યો અને ઘટના સ્થળે લોકોની પણ સારી સંખ્યામાં ભીડ જોવા મળી હતી. તપાસ પૂર્ણ થયા બાદ બંને કચેરીઓને રાબેતા મુજબ ફરી શરૂ કરવામાં આવી હતી.
પોલીસે નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને કોઈ શંકાસ્પદ માહિતી મળે તો તરત તંત્રને જાણ કરવા અપીલ કરી છે.

રિપોર્ટર: વિનોદ પંચાલ

Most Popular

To Top