પ્રતિનિધિ ગોધરા
પંચમહાલ પોલીસ દ્વારા દારૂની બંધીને ડામવા માટે સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત, દાહોદ જિલ્લાના એક દારૂના બુટલેગરની પાસા હેઠળ ધરપકડ કરીને તેને રાજકોટની મધ્યસ્થ જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.
પંચમહાલ ગોધરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક આર.વી. અસારી અને પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.એ. પટેલને દારૂના ધંધામાં સંકળાયેલા અસામાજિક તત્વો સામે પાસા અને તડીપાર જેવી કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.
આ સૂચનાના આધારે ગોધરા એલ.સી.બી. પોલીસે દાહોદ જિલ્લાના ડુંગર ગામના પછોરા ફળિયામાં રહેતા ગોવિંદભાઈ શંકરભાઈ પારગી નામના બુટલેગર પર ધ્યાન કેન્દ્રિત કર્યું. ગોવિંદભાઈ સામે શહેરા અને મોરવા પોલીસ સ્ટેશનમાં વિદેશી દારૂની હેરાફેરીના કુલ ત્રણ ગુનાઓ નોંધાયેલા હતા.
પોલીસ ઇન્સ્પેક્ટર આર.એ. પટેલે ગોવિંદભાઈ સામે પાસા હેઠળ દરખાસ્ત તૈયાર કરી હતી, જે પંચમહાલના જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મંજૂર કરવામાં આવી. આ હુકમ મળતાં જ એલ.સી.બી. સ્ટાફે ગોવિંદભાઈની બાતમી મેળવી વોચ ગોઠવી અને તેની અટકાયત કરવામાં આવી હતી ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી કરીને તેને રાજકોટની મધ્યસ્થ જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.