*પાલિકા તંત્ર ઘોર નિદ્રામાં, રવિવારે વિસર્જન કરવામાં આવશે તેમ છતાં નવલખી કૃત્રિમ તળાવ ખાતે પાલિકા તંત્ર દ્વારા કોઇપણ પ્રકારની તૈયારીઓ ન કરાતાં મ્યુનિસિપલ કાઉન્સિલર દ્વારા પાલિકાની કામગીરી સામે સવાલો ઉઠાવાયા
વડોદરા: પવિત્ર શ્રાવણ માસ થી હિન્દુ ધર્મના અનેક તહેવારો અને ઉત્સવોની શરુઆત થઈ જતી હોય છે. જે અંતર્ગત હાલમાં દશામાંનું પર્વ વડોદરા શહેરમાં ભક્તિસભર વાતાવરણમાં ઉજવવામાં આવી રહ્યું છે. આવતીકાલે શનિવારે જાગરણ બાદ રવિવારે દશામાની પ્રતિમાઓનું વિધિવત વિસર્જન કરવામાં આવનાર છે. તેમ છતાં વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર છેલ્લે સુધી ઘોર નિદ્રામાં હોય તેમ જણાય છે. શહેરના ઇલેક્શન વોર્ડ નં 13 માં આવેલા નવલખી કૃત્રિમ તળાવ ખાતે કોઇપણ પ્રકારની તૈયારીઓ કે વ્યવસ્થા કરવામાં આવી નથી.

આ કૃત્રિમ તળાવમાં પ્લાસ્ટિક પણ બદલવામાં આવ્યું નથી. ના સ્વચ્છતા,લાઇટ, ની સુવિધા. ત્યાં સુધી કે તળાવમાં પાણી પણ ભરવામાં આવ્યું નથી. આગામી દિવસોમાં શહેરમાં ગણેશોત્સવ પણ આવી રહ્યો છે. દર વર્ષે આપણા તહેવારો ઉત્સવો અંગેની જાણ હોવા છતાં પાલિકા તંત્રને જાણે વિવાદમાં કે ચર્ચામાં રહેવાની આદત પડી ગઈ હોય તેમ કૃત્રિમ તળાવમાં વિસર્જન અંગેની કોઈ તૈયારી કરી નથી. લોકોની આસ્થા સાથે રમત કેટલી યોગ્ય છે?

ત્યારે આજરોજ વોર્ડ નં 13 ના મ્યુનિસિપલ કાઉન્સિલર બાળુભાઇ સૂર્વે દ્વારા પાલિકા તંત્ર ની કામગીરી સામે સવાલો ઉઠાવાયા હતા. તેમણે જણાવ્યું હતું કે, દર વર્ષે અમે રજૂઆત કરીએ છીએ ત્યારે જ છેલ્લી ઘડીએ તંત્ર જાગતુ હોય છે. તંત્રે અગાઉથી જ તૈયારીઓ કરી લેવી જોઈએ.