Business

દક્ષિણ ગુજરાતના આદિવાસી નેતા કોટલા મહેતા ચૌધરી

દક્ષિણ ગુજરાતના આદિવાસીઓનો ઇતિહાસ ઘણો રસપ્રદ અને બોધદાયક છે. એક જમાનામાં તેઓ ‘કાલીપરજ’ તરીકે ઓળખાતા અને જંગલો અને ડુંગરાઓમાં રહીને પશુ જેવું જીવન ગાળતા હતા. દુર્ગારામ મહેતા અને નર્મદ જેવા પ્રખ્યાત સમાજસુધારકોએ એમને અવગણ્યા હતા. આજે તો આદિવાસી પ્રજામાંથી રાજકીય નેતાઓ ઉપરાંત વહીવટકર્તાઓ, ડૉકટર્સ, પ્રોફેસર્સ, શિક્ષકો, વકીલો અને ટેકનોલોજી તથા મેનેજમેન્ટના નિષ્ણાતો પ્રાપ્ત થાય છે પણ તે લાંબી લડતનું પરિણામ છે. વીસમા સૈકાથી દક્ષિણ ગુજરાતમાં શરૂ થયેલ ભગત આંદોલન, દેવી આંદોલન, ગાંધીવાદી આંદોલન અને કિસાન આંદોલન ઉપરાંત વડોદરા રાજયના મહારાજા સયાજીરાવ ગાયકવાડની પ્રગતિશીલ નીતિને લીધે આદિવાસીઓમાં નેતાગીરી વિકસી હતી.

આદિવાસી ઉત્થાનની પહેલ કરનાર સયાજીરાવ ગાયકવાડ હતા. એમણે નવસારી પ્રાંતના સોનગઢ અને વ્યારામાં 1885માં આદિવાસી છાત્રાલયો (ધાણકા વસ્તીગૃહ) સ્થાપીને ભીલ, ગામીત, વાણકા, ચોધરી, ધોડિયા, દૂબળા, નામકા, કુકણા, કોળચા અને વાટલી આદિવાસીઓને ભણાવ્યા હતા એટલું જ નહીં એમને ખેતી તથા હુન્નરઉદ્યોગ પણ શીખવ્યાં હતાં. આવા નવાચારી પરિબળોને પ્રતાપે અમરસિંહ ગામીત, વાલજી ચૌધરી, નરસિંહ અકાભાઇ, છગન ગામીત, દંડાબહેન ચૌધરી, ઠાકોરભાઇ પટેલ, હુસનજી ચૌધરી અને ગજતભાઇ ચૌધરી જેવા આદિવાસી નેતાઓ તૈયાર થયા હતા. તેમાં કોટલા મહેતા ચૌધરી મહત્ત્વનું સ્થાન ધરાવે છે.

નવાઇની વાત એ છે કે કોટલા મહેતાના જન્મ અને મૃત્યુનું વર્ષ પ્રાપ્ત થતું ન હોવાથી માત્ર અટકળો કરવામાં આવે છે. ઇતિહાસના અધ્યાપક અને આદિવાસી કુટુંબમાં જન્મેલા કિશોર ચૌધરીએ 2003માં કોટલા મહેતાની ડોલવણમાં (વ્યારા તાલુકો) રહેતી પુત્રીઓ શાન્તાબહેન અને ચંચળ મહેતાની મુલાકાત લીધી હતી. કિશોરભાઇએ 2019માં પ્રસિધ્ધ કરેલ લેખ ‘ખેડૂત ચળવળ અને કોટલા મહેતા ચૌધરી, 1930-31’ માં પણ કોટલા મહેતાનાં પાછલાં વર્ષો તથા મૃત્યુ સંબંધી કશો જ ઉલ્લેખ નથી. માત્ર અટકળ છે.

ઇતિહાસ સંશોધનના ક્ષેત્રમાં અને આદિવાસી ઇતિહાસની દ્રષ્ટિએ આ એક મોટી ઊણપ ગણાય. કિશોરભાઇના કહેવા મુજબ મહેતા એ કાંઇ કોટલાની અટક નથી. મહેતા તો કોટલા ચૌધરીના પિતાનું નામ હતું અને કોટલાનો જન્મ ‘અંદાજે 1877માં’ વ્યારા તાલુકાના કોટલા જંગલ વિસ્તારમાં આવેલા ઉમરવાવ દૂરમાં થયો હતો. કોટલા મહેતા સયાજીરાવ ગાયકવાડે ડોલવણમાં સ્થાપેલી શાળામાં શિક્ષક હતા. કોટલા ચૌધરીને બે પત્નીઓ હતી, એક ઉપર બીજી કરેલી. એમાં બીજી પત્ની ગંગાબહેનથી એમને ચંચળબહેન અને શાંતાબહેન નામની પુત્રીઓ જન્મી હતી.

ઉપર દર્શાવ્યા છે તે તમામ આદિવાસીઓનું ઘડતર કરનાર સયાજીરાવ અને ત્યાર બાદ ગાંધીજીના કાર્યકરો અને છેલ્લે સમાજવાદી વિચારધારા પર રચાયેલ કિસાનસભા આંદોલન હતું. ડેવિડ હાર્ડીમન સહિત લગભગ તમામ ઇતિહાસકારોએ આદિવાસીઓના ઉત્કર્ષમાં ભગત અને દેવી આંદોલનને મહત્ત્વ આપ્યું છે, પણ તે વધારે પડતું છે કારણ કે ભગત અને દેવી આંદોલનો ભૂવા, મંત્ર, તંત્ર અને અંધશ્રધ્ધા પર આધારિત ‘શુધ્ધિ’ આંદોલનો હતાં. અલબત્ત, એમાં દારૂ, તાડી અને મહુડાના ત્યાગની તેમ જ નાહીધોઇને ચોખ્ખા થવાની વાત જરૂર હતી પણ તેથી વિશેષ કાંઇ નહીં.

જો તેની સાથે ગાંધીવાદી મુવમેન્ટ ભળી ના હોત તો તેનો કાંઇ જ અર્થ ન હતો. તેમાંથી નહોતી દૂર થઇ નિરક્ષરતા કે ખાદી અને વણાટકામ દ્વારા આર્થિક વિકાસ. સલાબાઇ નામની દેવીની કૃપાથી આદિવાસીઓમાંથી શીતળા, ઓરી અને અછબડા જેવા રોગો પણ નાબૂદ થયા નહોતા. ખરી જરૂર આધુનિક શિક્ષણ, ગણોતધારામાં સુધારો અને મોડર્ન મેડિસીનની હતી. એના કરતાં તો તે અગાઉ સયાજીરાવ ગાયકવાડે છેક 1880ના દાયકાથી આદરેલા શૈક્ષણિક, સામાજિક અને આર્થિક સુધારાઓ વધારે પ્રભાવક સાબિત થઇ ચૂકયા હતા. હકીકતમાં તો કોટલા મહેતા ચૌધરી, અમરસિંહ ગામીત, ઠાકોરભાઇ પટેલ, નરસિંહ અકા, કસનજી ચૌધરી અને દેવસિંહ ચૌધરી જેવા આદિવાસીઓનું જીવન પલટાવનાર સયાજીરાવ ગાયકવાડના સુધારા હતા.

1885માં આદિવાસીઓ માટે ધાણકા વસ્તીગૃહ સ્થાપ્યા બાદ એમણે 1906માં સમગ્ર રાજયમાં મફત અને ફરજીયાત પ્રાથમિક શિક્ષણનો કાયદો લાગુ પાડતાં કોટલા મહેતા, અમરસિંહ અને કસનજી જેવા આદિવાસીઓ ભણતાગણતા થયા હતા. કોટલા ધાણકા વસ્તીગૃહમાં ભણ્યા હતા. કોટલાભાઇની કારકિર્દીને મૂલવવામાં પ્રગતિશીલ પરિબળોને જ મહત્ત્વ આપવું જોઇએ. ભગત અને દેવી આંદોલન ભલે ‘સ્વયંભૂ’ હોય, તેમ છતાં શૈક્ષણિક, સામાજિક અને આર્થિક પરિવર્તનને કોઇ જ અવકાશ નહોતો. એનો અર્થ જરા પણ એ નથી કે ગાંધી તેમ જ કિસાન આંદોલનની કોઇ મર્યાદા જ નહોતી. તેમાં પણ ઘણી ઊણપો હતી. આમ છતાં તે ‘મોડર્નાઇઝેશન’ અને આર્થિક ભાગ માટેની લડતો હતી. ગાંધીની લડતમાં ઊણપો જણાતાં સમાજવાદી વિચારસરણી પર આધારિત કિસાનસભા આંદોલન થયું હતું અને કોટલા મહેતા આ બંને આંદોલનોથી પ્રભાવિત થયા હતા.

શાહુકારો અને જમીનદારોનાં શોષણનો સામનો કરવામાં માત્ર કોટલા મહેતા જ નહોતા. રાયસિંહભાઇ ચૌધરી, હાંસજીભાઇ ચૌધરી, રૂપાજી પરમાર, દંડાબહેન ચૌધરી, હીરાબહેન નીનામા, દશરીબહેન ચૌધરી, અર્જુન ભગત અને ગોમજી ચૌધરી જેવાં આદિવાસી સ્ત્રીપુરુષોએ પણ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. મોટા ભાગના આદિવાસીઓએ ગાંધીજીના અસહકારના આંદોલન (1920-22) અને બારડોલી સત્યાગ્રહમાં (1928) ભાગ લીધો હતો. તે અગાઉ ઠક્કરબાપાએ 1922માં ભાગ લેવા મંડળ સ્થાપ્યું હતું.

વળી 1923થી 1941 દરમિયાન શેખપુર, ડોસવાડા, વેડછી, મઢી અને ઉનાઇ જેવાં ગામોમાં 11 રાનીપરજ પરિષદો યોજાઇ હતી જેમાં કોટલા મહેતા સહિત ઘણા આદિવાસીઓએ ભાગ લીધો હતો. 1923 અને 1929ની રાનીપરજ પરિષદના પ્રમુખ સરદાર વલ્લભભાઇ પટેલ હતા અને કોટલા મહેતા તેમના પ્રભાવ હેઠળ આવ્યા હતા. કોટલા મહેતા, રાયસિંગ ચૌધરી, હાંસજી ચૌધરી અને માધુભાઇ ચૌધરીએ 1930માં ડોલવણ ગામમાં (વ્યારા તાલુકો) ખેડૂતમંડળ સ્થાપ્યું હતું. તેના પ્રમુખ રાયસિંગભાઇ હતા અને મંત્રી કોટલા મહેતા હતા. તેની ઉપર ગાંધીવાદી રીતરસમોની અસર હતી. આ સંસ્થા શાહુકારો અને જમીનદારોના ત્રાસ સામે કોંગ્રેસની મદદથી લડી રહી હતી.

1930માં પણ વેઠપ્રથા ચાલુ હતી! તેથી ખેડૂતમંડળના ઓઠા હેઠળ કોટલા ચૌધરી, રાયસિંગ ચૌધરી, વનમાળીદાસ ચૌધરી અને નારણજી પટેલે સોનગઢ અને વ્યારા તાલુકાઓમાં વાણિયા, શાહુકારો, અનાવિલ જમીનદારો અને પારસી પીઠાવાળાઓ સામે સંઘર્ષ કર્યો હતો. તેમાં ગાંધીવાદી રીતરસમો હતી.

બરાબર આ જ સમયે (1930) વ્યારાના દેશસ્વ સામ્યવાદી બ્રાહ્મણ દત્તાત્રય મોઢેશ્વર પાંગારકરે વ્યારામાં ‘વડોદરા રાજય મજૂર અને ખેડૂત પક્ષ’ની સ્થાપના કરતાં કોટલા મહેતા અને એમના સહકાર્યકરો સામ્યવાદી વિચારસરણીની અસર હેઠળ આવ્યા. તેનું કેન્દ્ર સોનગઢ તાલુકાનું દોસવાડા ગામ હતું. કોટલા, રાયસિંગ, નારણજી, નરસિંહ અકા ચૌધરી, જીવણ વાલવી અને લહુમા ગામીત જેવા સોનગઢ અને વ્યારા તાલુકાના ચૌધરી, ધોડિયા, વાટલી, નાયકા અને કુકણા આદિવાસી નેતાઓએ સમાજવાદી નીતિ પર આધારિત અહિંસક મુવમેન્ટ શરૂ કરી જે ગાંધીવાદી રીતરસમો કરતાં વધારે જલદ છતાં પણ મૂળભૂત રીતે અહિંસક હતી. તેણે દારૂતાડીના નિષેધ કરતાં વધારે મહત્ત્વ ગણોતધારા અને શાહુકારી પ્રથાની નાબૂદીને આપ્યું.

હજુ તો કિસાનસભાની સ્થાપના પણ નહોતી થઇ ત્યાં કોટલા મહેતાએ 1932માં ‘રાની ખેડૂતોનું આક્રંદ’ નામનો કાવ્યસંગ્રહ પ્રસિધ્ધ કરીને લડતને જલદ બનાવી. પાંગારકર અને કોટલા મહેતા બંને વ્યારા તાલુકાના હોવાથી એકબીજાથી પરિચિત હતા. મારી કામચલાઉ અટકળ એ છે કે કોટલા પાંગારકરની અસર હેઠળ આવ્યા હતા. એમણે રચેલી નીચેની પંકિત પરથી તેનો અણસાર આવે છે:

  • ‘લૂંટે છે ભોળા ખેડૂત તુજને, ધોળા દિવસની ધાડ કહેવાય
  • નહીં ભરોસો અમને વણિકનો
  • ખોટાં તોલાં ને ખોટી છે દાંડી
  • ખોટા બોલથી લૂંટે છે તુજને.’

આ ભાવનાને અમલમાં મૂકવા કોટલા મહેતાએ 1934માં 51 આદિવાસીઓનું નેતૃત્વ લઇને વ્યારાથી વડોદરા સુધી કૂચ કરી હતી. તેનો આશય વડોદરા સરકાર દ્વારા ઋણરાહત ધારો અને ગણોતધારો પસાર કરવાનો હતો. જો કે તેની ભીતરમાં પાંગારકરનો દોરીસંચાર હતો. જો કે જયારે કોટલા ચૌધરીએ આ કૂચ ઉપાડી ત્યારે પણ તેઓ મહારાજા સયાજીરાવ ગાયકવાડની આદિવાસી ઉત્થાનની પ્રવૃત્તિઓથી ખૂબ પ્રભાવિત હતા. 1936માં મહારાજાના યોજાયેલા હીરક મહોત્સવમાં ભાગ લેવા તેઓ વ્યારાથી વડોદરા ગયા હતા અને સેંકડો આદિવાસીઓના પ્રતિનિધિ તરીકે મહારાજાની પ્રસંશા કરતું માનપત્ર વાંચી સંભળાવ્યું હતું. કોટલા મહેતાએ 1932માં રચેલો કાવ્યસંગ્રહ 1938માં ગાયકવાડના રાજયના પાંચમા ધોરણમાં ચાલતો હતો!! મુદ્દો એ છે કે કોટલા મહેતા અને સુરત જિલ્લા તથા નવસારી પ્રાંતના આદિવાસીઓ સયાજીરાવની આદિવાસી ઉત્થાનની પ્રવૃત્તિઓથી એટલા બધા આકર્ષાયા હતા કે તેમણે પાંગારકર, દિનકર મહેતા અને ઇન્દુલાલ જેવા ઉચ્ચ જ્ઞાતિઓના નગરજન્ય બૌધ્ધિકોની જેમ ‘બગાવત’નો લડાયક ઝુસ્સો કદી પણ દર્શાવ્યો નહોતો.

કોટલા મહેતા માંડ ગુજરાતી પાંચ-છ ચોપડીઓ ભણ્યા હતા અને તેમને ભણાવનાર સયાજીરાવ હતા. ભણ્યા બાદ ડોલવણમાં (વ્યારા તાલુકો) શિક્ષકની નોકરી પણ મહારાજાએ જ આપી હતી. તેવી જ રીતે કોટલા મહેતા ઉદ્દામવાદી વિચારસરણીના પ્રભાવ હેઠળ આવ્યા હોવા છતાં તેઓ કદી પણ ‘એન્ટી-ગાંધી’ નહોતા. હા, તેઓ એમ જરૂર માનતા હતા કે માત્ર દારૂ-તાડીના નિષેધથી આદિવાસી ઉત્થાન નહીં થાય. એને માટે ખાદી અને ચરખા ઉપરાંત ગણોતધારા અને શાહુકારી પ્રથાની નાબૂદી માટે કાયદાઓ પસાર કરવાની જરૂર છે. ઇતિહાસકાર અરૂણ વાઘેલા વધુ સંશોધન માટે 2011માં વાલોડ તાલુકાના વડિયા ગામના આદિવાસી નેતા ગોવિંદભાઇ ચૌધરીને મળ્યા હતા.

ગોવિંદભાઇએ એમ કહયું હતું: ‘કોટલા મહેતા ચૌધરી આદિવાસીઓના ગાંધી હતા’. કોટલા મહેતા સુપ્રસિધ્ધ ગાંધીવાદી નેતા અને આદિવાસીઓમાં ધૂણી ધખાવીને કામ કરનાર લેખક જુગતરામ દવેના પરિચયમાં આવ્યા હતા. જુગતરામે એમની આત્મકથા ‘મારી જીવનકથા’માં ‘ઋણ રાહત અને ગણોતધારાઓ: નવા યુગનાં રચનાત્મક કામો’ નામનું પ્રકરણ લખ્યું છે અને ‘કોટલા માસ્તર’ શબ્દનો ઉપયોગ કરીને લખ્યું છે કે 1937થી 1942 સુધી ‘વિશેષરૂપે વેડછી આશ્રમમાં અમારું મુખ્ય કામ રાનીપરજ ખેડૂતોના કરજોનો નિકાલ કરવાનું તેમ જ તેમની ગણોતની જમીનનો નવો હક તેમને મેળવી આપવાનું થઇ પડયું.

વ્યારા તાલુકો ગણોતિયાઓથી ભરેલો હતો. ગાયકવાડી રાજયે પણ તેમના લાભમાં કંઇક કાયદા કર્યા હતા. તે દિવસોમાં કોટલા માસ્તર વગેરે જૂના કાર્યકર્તાઓ આ પ્રકારના કામો કરતા પણ જયારે ખરું કામ નીકળ્યું ત્યારે તે બિચારા વૃધ્ધ અને અશકત થઇ ગયા હતા પરંતુ હવે ઝીણાભાઇ દરજી, બોરખડીવાળા માવજીભાઇ અને તેમનું વિશાળ મિત્રમંડળ મેદાનમાં ઊતરી આવ્યું.’ કોટલા મહેતાની જેમ વ્યારાના કર્મવીર ઝીણાભાઇ દરજી પણ જુગતરામ દવેના પ્રભાવ હેઠળ આવ્યા હતા. આ વિધાન સંશોધનની દ્રષ્ટિએ મહત્ત્વનું છે.

કોટલા મહેતાના જીવનનાં છેલ્લાં વર્ષો ઉપર આજે પણ તદ્દન અંધારપટ છવાયો છે પણ એટલું જરૂર છે કે એમનું અધૂરું રહેલું કામ પૂરું કરનાર વ્યારામાં જ જન્મેલા અને વ્યારામાં મૃત્યુ પામેલા ઝીણાભાઇ દરજી (1919-2004) હતા. કોટલાભાઇ અને ઝીણાભાઇએ જુદા જુદા સમયે ગાયકવાડી ભૂમિ વ્યારા તાલુકામાં શિક્ષણ લીધું હતું. બંને જણે 1938ની હરિપુરા કોંગ્રેસમાં ભાગ લીધો હતો. આ દ્રષ્ટિએ ઝીણાભાઇ દરજી કોટલા મહેતાનું વિસ્તૃતિકરણ હતા. તેઓ દક્ષિણ ગુજરાતના પીઢ ગાંધીવાદી, સ્વાતંત્ર્યસેનાની અને રચનાત્મક કાર્યકર હોવા ઉપરાંત આચાર-વિચારની દ્રષ્ટિએ ઉદ્દામવાદી હતા. 1942-43ની આસપાસ કોટલા મહેતા ગુજરી ગયા બાદ ઝીણાભાઇએ ઋણરાહત ધારો અને ગણોતધારો પસાર કરાવવા જે ઉગ્ર સ્વરૂપમાં ઝુંબેશ કરી તે કોટલા મહેતાનું જ ઉત્તરદાયીત્વ હતું. વધારે સંશોધનને ખૂબ અવકાશ છે.

Most Popular

To Top