Dahod

થોડા દિવસમાં લીમખેડાનો આ બ્રિજ તૂટી પડ્યાના સમાચાર આવે તો નવાઈ પામશો નહીં!

લીમખેડાના 65 વર્ષ જૂના બ્રિજનું ભ્રષ્ટાચારયુક્ત રિપેરિંગ

60 લાખના ખર્ચે માત્ર ઉપરછલ્લું કામ, સળિયા દેખાતા લોકોમાં રોષ

દાહોદ :

લીમખેડાની હડફ નદી પર આવેલા 65 વર્ષ જૂના બ્રિજના રિપેરિંગમાં મોટો ભ્રષ્ટાચાર પ્રકાશમાં આવ્યો છે. રૂ. 60 લાખના ખર્ચે કરવામાં આવેલી કામગીરી નબળી અને અધૂરી સાબિત થઈ છે, જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરવામાં આવ્યું હોવાનું સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. થોડા દિવસમાં ગંભીરા બ્રિજની જેમ આ બ્રિજ પણ તૂટી પડવાના સમાચાર આવે તો બહુ નવાઈ પામવા જેવું નહીં હોય.

આદિવાસી આગેવાન પંકજ કટારાએ જણાવ્યું કે બ્રિજના જૂના પિલર્સની ફરતે માત્ર કોંક્રિટનો માલ નાખીને સપાટી પર જ કામ કરવામાં આવ્યું છે. બ્રિજની નીચેની બાજુએ કોંક્રિટની છાટકામની કામગીરી અયોગ્ય રીતે થવાથી ઘણી જગ્યાએ લોખંડના સળિયા ખુલ્લા દેખાય છે. વાહનો પસાર થતી વખતે બ્રિજ હલે છે, જે સલામતી માટે જોખમી છે. સ્થાનિક રહીશોનું કહેવું છે કે આટલા જૂના બ્રિજને રિપેર કરવાને બદલે નવો બનાવવો જરૂરી હતો. રોજ સેંકડો વાહનોની અવરજવર ધરાવતા આ બ્રિજ પર કોઈ મોટી દુર્ઘટના ટાળવા માટે વપરાયેલા મટીરિયલની લેબોરેટરી તપાસની માંગ ઉઠી છે. જો યોગ્ય તપાસ નહીં થાય તો જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરવાની ચીમકી આપવામાં આવી છે.

બ્રિજની જૂની રચનાને કારણે સામસામેના વાહનો એક સાથે પસાર થઈ શકતા નથી, જે વાહનચાલકો માટે મુશ્કેલીરૂપ બની રહ્યું છે. આ ગંભીર મામલે સરકાર તરફથી તાત્કાલિક તપાસ અને કાર્યવાહીની માંગ ઊઠી છે. સ્થાનિકોના આ આક્ષેપ અંગે લીમખેડા માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે, અધિકારીઓએ ફોન રિસિવ નહોતો કર્યો હતો.

Most Popular

To Top