Columns

ત્રણ અમૂલ્ય વસ્તુ

એક દિવસ ગુરુજીએ પ્રાર્થના બાદ પૂછ્યું, ‘જીવનમાં ત્રણ મૂળભૂત જરૂરિયાતો કઈ છે?’ બધાએ તરત જવાબ આપ્યો, ‘ભોજન, વસ્ત્ર અને ઘર.’ ગુરુજી બોલ્યા, ‘બરાબર છે. આ તો તમને બધાને ખબર જ છે અને એ પણ ધ્યાનમાં છે જ કે પરિવારની આ ત્રણ જરૂરિયાતો પૂરી કરવાની તમારા બધાની પહેલી ફરજ છે અને તે ફરજ પૂર્ણ કરવા માટે મહેનત કરવી જરૂરી છે.પણ આજે મારે વાત કરવી છે એવી ત્રણ અમૂલ્ય વસ્તુઓની, જે જીવનમાં મેળવી લો તો જીવન ધન્ય ધન્ય થઈ જાય છે.’

હજી ગુરુજી આગળ કંઈ બોલે કે કંઈ પૂછે તે પહેલાં બધા બોલવા લાગ્યા, ‘ગુરુજી, જીવનમાં હીરાના જર જવેરાત, સોનું, ચાંદી જમીન ,મહેલ, ગાડી, હાથી-ઘોડા,મોટી હવેલી, આ બધું જ ઘણું મૂલ્યવાન છે તેમાંથી જે સૌથી મોંઘુ એ સૌથી અમૂલ્ય બરાબર….’ ગુરુજી બોલ્યા, ‘અરે, અરે, આ શું અધીરા ન થાવ. હું અતિ મૂલ્યવાન વસ્તુઓથી પણ વધારે અણમોલ અને અમૂલ્ય વસ્તુઓની વાત કરી રહ્યો છું. જરા ધીરજ ધરી સાંભળો.’

બધા શિષ્યોને નવાઈ લાગી કે આટલી મૂલ્યવાન વસ્તુઓથી પણ વધારે અમૂલ્ય શું હશે? ગુરુજીએ આગળ કહ્યું, ‘શિષ્યો, હું તમને ત્રણ સૌથી અમૂલ્ય વસ્તુઓ કહું તે પહેલાં ખાસ એ જણાવવા માંગું છું કે તમે બધા જ આ ત્રણ વસ્તુઓ જીવનમાં મેળવીને જીવનને શણગારી શકો છો.’ આ સાંભળીને બધા વધારે આશ્ચર્યચકિત થઈ ગયા કે સૌથી અમૂલ્ય વસ્તુઓ તો કોઈક ભાગ્યશાળીને મળે અને ગુરુજી કહે છે કે તે બધા જ મેળવી શકે!

ગુરુજી આગળ બોલ્યા, ‘શિષ્યો ધ્યાન દઈને સાંભળજો, સૌથી અમૂલ્ય ત્રણ વસ્તુઓમાંથી પહેલી વસ્તુ છે વિશ્વાસ …જેટલો તમે કુટુંબીજનો, મિત્રો, સ્વજનો સાથીઓનો વિશ્વાસ મેળવી શકશો એટલા તમે જીવનમાં ખુશ રહી શકશો.અન્યનો વિશ્વાસ મેળવવો બહુ અઘરો છે અને એથી અઘરો છે તેને નિભાવવો.હંમેશા વફાદાર રહીને અન્યનો વિશ્વાસ જાળવજો અને યાદ રાખજો વિશ્વાસઘાત તો ક્યારેય નહીં કરતા.હવે વાત કરીએ બીજી અમૂલ્ય વસ્તુની, તે છે ‘સંતોષ’..જીવનમાં સંતોષ રાખવો બહુ જરૂરી છે.જે હોય તેને સ્વીકારી લેવું, સાચા અને મહેનતના રસ્તે જે મળે તેમાં સંતોષ રાખી ખુશ રહેવું.

સંતોષી વ્યક્તિ હંમેશા દરેક પરિસ્થિતિમાં ખુશ રહી શકે છે અને અસંતોષી વ્યક્તિ ગમે તેટલું હોય તો પણ દુઃખી રહે છે અને ત્રીજી અમૂલ્ય વસ્તુ છે ‘સ્વાસ્થ્ય’. જીવનમાં દરેક તબક્કે જો તમે સ્વસ્થ હશો તો જીવનની પ્રત્યેક પળને માણી શકશો.હંમેશા તમારા અને ઘરના બધાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.સારી સ્વાસ્થ્યવર્ધક ટેવ પડવી.પૌષ્ટિક ખોરાક ખાવો.અને હંમેશા મનગમતી પ્રવૃત્તિમાં વ્યસ્ત રહેવું, જેથી તન અને મન બંને સ્વસ્થ રહે.આ ત્રણ અમૂલ્ય વસ્તુઓ તમે બધા જ પોતાના જીવનમાં મેળવી શકો છો અને જો મેળવી લેશો તો જીવન અણમોલ બની જશે.’ શિષ્યોને ગુરુજીએ સાચી સમજ આપી.

Most Popular

To Top