Business

તું પહેલાં માણસ બન

એક શ્રીમંત શેઠને સાત ખોટનો એકનો એક દીકરો. શેઠાણીની આંખોનો તારો. શેઠ અને શેઠાણીના લાડ પ્યારથી દીકરો અભિમાની  બની ગયો. મોઢામાં ચાંદીની ચમચી અને સોનાના ઘૂઘરા સાથે જન્મ્યો હતો એટલે મહેનત તો શું તે ખબર જ ન હતી. પાણી માંગતાં દૂધ હાજર અને નાનપણમાં બુટની દોરી બાંધવા અને સ્કૂલબેગ ઉપાડવા પણ નોકર હાજર. આવો પરાવલંબી દીકરો મોટો થયો. માંડ માંડ ટ્યુશનની મદદથી 10 મી પાસ થયો. ડોનેશનથી કોલેજમાં પ્રવેશ મેળવ્યો અને બાપના પૈસાની મદદથી મિત્રો પણ મળી ગયા પણ તે ન કંઈ શીખ્યો, ન કંઈ ગણ્યો, ન કંઈ જાણ્યું.

બસ હરવા ફરવામાં વર્ષો વીત્યાં અને અભ્યાસ અધૂરો રહ્યો. શેઠાણીએ લાડકા દીકરાનું ઉપરાણું કર્યું કે ભલે ન ભણે, એણે ક્યાં નોકરીનો ઇન્ટરવ્યુ આપવા જવાનું છે. પોતાના નાલાયક કહી શકાય તેવા અભિમાની અને ઉદ્દંડ છોકરાને ધંધામાં પલોટવાની તૈયારી શેઠે શરૂ કરી. શેઠ તેને પોતાની જોડે દુકાને લઈ જાય પણ દીકરો અભિમાની અને આળસુ ‘નાના શેઠ’બની દુકાનમાં બધા પર રોફ કરે. કંઈ શીખવાની ધગશ નહીં. ખુરશી પર બેઠા બેઠા બસ ઓર્ડર કરે.  એક દિવસ મોટા શેઠ દુકાનના કામે બહાર ગયા હતા અને નાના શેઠ તો મોટા શેઠની ખુરશી પર બેસીને ઝૂલતા હતા.

બપોરનો સમય હતો. દુકાનના માણસો નાના શેઠની પરવાનગી લઈને જમવા બેઠા. થોડી વારમાં એક ગ્રાહક આવ્યો. નાના શેઠે તો હમણાં કોઈ માણસ નથી પછી આવજો એમ કહી તેને વિદાય કરી દીધો.  થોડી વાર રહીને એક ગરીબ દંપતી આવ્યું. તેમને કંઈ ખરીદવું ન હતું પણ પત્ની ગર્ભવતી હતી અને બપોરે પાણીની તરસ લાગી હતી તેથી હિંમત કરી દુકાનમાં આવ્યાં કે પાણી તો મળશે. તેમને જોતાં જ નાના શેઠે ગુસ્સામાં કહ્યું, ‘અહીં તમારે માટે કંઈ નથી, આગળ જાઓ.’પતિએ વિનંતી કરતાં ધીમેથી કહ્યું, ‘અમને કંઈ લેવું નથી, કંઈ જોઈતું નથી માત્ર મારી ગર્ભવતી પત્નીને પાણીની ખૂબ સરસ લાગી છે.

એક ગ્લાસ પાણી મળશે.’ નાના શેઠે ફરી એ જવાબ આપ્યો કે, ‘હમણાં કોઈ માણસ નથી પાણી નહીં મળે…’અને બરાબર એ જ સમયે મોટા શેઠ આવ્યા. સૌથી પહેલાં તેમણે ગર્ભવતી સ્ત્રીને પાણીનો ગ્લાસ ભરીને આપ્યો અને પછી બધાને સંભળાય તેમ બોલ્યા, ‘અમારો જ વાંક છે. અમે અમારા દીકરાને માણસ નહીં પણ પથ્થર બનાવ્યો છે.દીકરા, તું માણસ બન, નહીં તો અમારું નામ વગોવાશે.’દીકરાને પોતાની ભૂલ સમજાઈ ગઈ. તેણે પિતાની માફી માંગી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top