૧૯૪૭ માં આપણો દેશ આઝાદ થયો ત્યાર પછી તે સમયના વાઇસરોય હાઉસને રાષ્ટ્રપતિ માટેનું નિવાસસ્થાન બનાવવામાં આવ્યું હતું. તેના પછી ક્ષેત્રફળના આધારે બીજા નંબર પર તીન મૂર્તિ ભવન હતું જેને નેહરુજીએ પોતાનું નિવાસસ્થાન બનાવ્યું હતું. લગભગ ૧૭ વર્ષ સુધી તેમણે તેમનું કામકાજ ત્યાંથી સંભાળ્યું. નેહરૂજીના અવસાન બાદ બીજા વડા પ્રધાન લાલબહાદુર શાસ્ત્રી જ્યારે તીન મૂર્તિ ભવનમાં રહેવા જતા હતા ત્યારે ઇન્દિરા ગાંધીએ તમારી હેસિયત નેહરૂ ભવનમાં રહેવા લાયક નથી એમ કહીને તેમને રોક્યા. સીધા સાદા શાસ્ત્રીજી માની ગયા અને બીજી એક નાની જગ્યામાં તેઓ રહેવા લાગ્યા. શાસ્ત્રીજીના આકસ્મિક મૃત્યુ બાદ તીન મૂર્તિ ભવનને ઇન્દિરા ગાંધીએ નેહરૂ સંગ્રહાલય બનાવી દીધું અને તેમાં ગાદી, તકિયા, રજાઈ, ચશ્માં, ઘડિયાળ અને તેમના ઉપયોગમાં આવતો બધો સામાન જેમાં એડવિનાનો ફોટો હતો તે લગાવી દીધો. ત્યાર બાદ જેટલા પણ વડા પ્રધાન આવ્યા, કોઇને માટે કોઈ સંગ્રહાલય બન્યું નહીં. નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા પછી તેમણે તીન મૂર્તિ ભવનના એક એક કરીને બધા ૧૮ ઓરડા ખોલાવી નાખ્યા અને તેમાં બધા ભૂતપૂર્વ વડા પ્રધાનની યાદ રાખવા જેવી સ્મૃતિઓ રખાવીને જૂદું સંગ્રહાલય બનાવી દીધું અને અત્યાર સુધી જેનું નામ જવાહરલાલ નેહરૂ સંગ્રહાલય તીન મૂર્તિ ભવન દિલ્હી હતું તે બદલીને પ્રધાનમંત્રી સંગ્રહાલય કરી દીધું અને તેનું વિધિવત્ ઉદઘાટન તા.૧૪ એપ્રિલ,૨૦૨૨ ને આંબેડકર જયંતીને દિવસે થશે. કોંગ્રેસની પરિસ્થિતિ સૂડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ છે કારણ કે આ માટે તેઓ નથી વિરોધ કરી શકતા કે નથી તેનું સમર્થન કરી શકતા.
સુરત – સુરેન્દ્ર દલાલ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.