નડિયાદ એસ.આર.પી.એફ બટાલિયન દ્વારા બચાવની કામગીરી હાથ ધરાઈ*
*હાલની પરિસ્થિતિને ધ્યાને લઈ તારાપુરના ખડા ગામ ખાતે એક એસ.ડી.આર.એફની ટીમ તૈનાત કરાઈ*
આણંદ,સોમવાર:: ઉપરવાસમાં ભારે વરસાદ કારણે સાબરમતી નદીમાં છોડાયેલા પાણીના કારણે આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના રીંઝા ગામના સીમ વિસ્તારમાં રહેતા ૭ જેટલા લોકોને નડિયાદની એસ.આર.પી.એફ બટાલિયન દ્વારા સુરક્ષિત રીતે બહાર કાઢીને શેલ્ટર હોમમાં શિફ્ટ કરાયા છે.
સાબરમતી નદીમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે આણંદ જિલ્લાના તારાપુર અને ખંભાત તાલુકાના નદીકાંઠાના ૧૩ જેટલા ગામોને અસર થાય છે, જે પૈકી આજ રોજ તારાપુર તાલુકાના નદીકાંઠાના રીંઝા ગામના સીમ વિસ્તારમાં રહેતા લોકોને નડિયાદની એસ.આર.પી.એફ. બટાલિયન દ્વારા સુરક્ષિત રીતે કાઢવામા આવ્યા હતા.
અસરગ્રસ્ત વિસ્તારોના લોકોને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રીંઝા ગામની પ્રાથમિક શાળામાં ઉભા કરાયેલા શેલ્ટર હોમમાં આશ્રય આપવામાં આવ્યો છે.જ્યાં સુધી સ્થિતિ પૂર્વવત્ ન થાય ત્યાં સુધી આશ્રિતોના રહેવા તથા સવારના ચા નાસ્તાથી લઈને જમવાની વ્યવસ્થા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છેકે, તાજેતરની પરિસ્થતિને ધ્યાને લઈને એક એસ.ડી.આર.એફ ની એક ટીમ તારાપુર તાલુકાના ખડા ગામ ખાતે તૈનાત કરવામાં આવી છે.
—–