- બાળકને કાયમી ખોડ ખાનપાન રહી જતા વળતરની માગ કરવામાં આવી
- પાલિકાની બેદરકારીના કારણે આ દુર્ઘટના ઘટી હોવાના આક્ષેપ
શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલા બાગમાં રમત-ગમતના સાધનોમાં મુકેલી સ્લાઇડીંગના હોલમાં એક બાળકના પગની આંગળી ફસાઇ જતા તેને કપાવવાની નોબત આવી છે. આ ઘટનામાં સ્થાનિકો દ્વારા કોર્પોરેશન ખાતે રજૂઆત કરવામાં આવી હતી અને બાળકને વળતર આપવાની માગ કરવામાં આવી છે.
તાંદલજા વિસ્તારમાં તહુરા પાર્ક ગાર્ડન આવેલ છે તે ગાર્ડનમાં તા.8 માર્ચના રોજ રાત્રીના સમયે આસ આરીફ પટેલ નામનું 3 વર્ષનું બાળક ગાર્ડનમાં રમવા માટે પોતાના પિતા સાથે ગયું હતું. અને ગાર્ડનમાં લપસણી(સ્લાઈડીંગ) ઉપર રમતા અને લપસણી ખાતા લપસણીમાં કાણું પડેલ હોય તે કાણામાં બાળકની ડાબા પગની આંગળી ફસાઇને કપાઈ ગઈ હતી. અને તે આંગળી પગમાથી છુટી પડી ગઈ હતી. અને તેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તબિબો દ્વારા તેની આંગળી જોડવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. જો કે, તબિબોને આંગળી જોડવામાં સફળતા મળી ન હતી. અને બાળકને ખોડખાંપણ રહી ગઈ છે. આ અંગે સ્થાનિક આગેવાન અસ્ફાક પટેલ અને બાળકના સંબંધીઓ દ્વારા મંગળવારે પાલિકામાં રજૂઆત કરવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે બાળકને કાયમી ખોડખાંપણ થઈ ગયેલ છે અને જેના કારણે બાળક ચપ્પલ પહેરી નહીં શકે તેમજ બુટ પહેરવામાં પણ અગવડતા પડશે તેમજ બાળકને ચાલવા દરમ્યાન બેલેન્સ રાખવા બાબતે પણ પ્રશ્ન ઉભા થશે તેમજ ભવિષ્યમાં કમર અને ગુઠણમાં પણ ઘસારો થવાની પણ સમસ્યા ઉપસ્થિત થશે આમ, બાળક ની કાયમી ખોડખાપણ ના કારણે બાળકના માનસ ઉપર પણ અસર રહેશે. આ બાળકના પિતા સામાન્ય છુટક ટેલરીંગ કામ કરે છે અને ગરીબ ઘરના વ્યક્તિ છે તેઓને પણ હાલમાં બાળકની સારવાર પાછળ પણ ખુબ મોટો ખર્ચ થયેલ છે અને આગળ કેટલો ખર્ચ થવાનો છે તેની પણ કોઇ ચોક્કસ ગણતરી નથી જેથી બાળકના આર્થિક, શારીરીક અને માનસીક નુકશાન બદલ બાળકના પિતાને રૂપિયા 5 લાખનું વળતર આપવામાં આવે અથવા ભવિષ્યમાં બાળક મોટું થાય તો તેને કોર્પોરેશનમાં નોકરી આપવામાં આવે તેવી વ્યવસ્થા કરવા માગ કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરાના હરણી લેકઝોનમાં થયેલી દુર્ઘટના બાદ પણ તંત્ર લોકોની સલામતીને લઇ નિંદ્રાધીન હોય તેવું લાગી રહ્યું છે. જે જગ્યાઓ મોટી સંખ્યામાં લોકોની અવર-જવર હોય તેવા સ્થળોએ મુકેલા સાધનોનો ઉપયોગ સુરક્ષિત છે કે નહિ તેનું ધ્યાન રાખવામાં તંત્ર સદંતર નિષ્ફળ રહ્યું હોવાની સાબિતી આપતો આ કિસ્સો સામે આવ્યો છે.