શિયાળાની ફૂલ ગુલાબી ઠંડી અને શાકભાજીની લીલીછજ બજાર (ખેતર) આમ તો શિયાળામાં શાકભાજી તરોતાજા અને દરેકને પરવડે એવા સસ્તા ભાવે મળતું હોય અને સ્વાદ પણ મજાનો હોય. પરંતુ હવે તો શિયાળો અને તાજો (સસ્તા) શાકભાજીનો સંજોગ ભાગ્યે જ જોવા મળે છે. તેમા વળી શાકભાજીના સ્વાદની તો વાત જ શું કરીએ. દવાઓથી ભરપુર શાકભાજીનો અસલ સ્વાદ તો કયાંક ગાયબ જ થઇ ગયો છે. વળી હવે તો દરેક ઋતુઅનુસાર શાકની મઝા બગાડવા વરસાદ પણ ગમે તે સમયે હાજર જ હોય છે. એટલું જ બસ ન હોય તે પછી વિક્રેતાઓ પણ ખરીદનારને લુટે છે.
અમુક તહેવારોમાં શાકભાજીના ભાવ ડબલ થઇ જતા હોય છે. જેમકે નાતાલ, 31 ડિસેમ્બર, ઉત્તરાયણ જેવા તહેવારમાં સમુહ ભોજન અને પાર્ટી કરનારની આડમાં સામાન્ય માણસને પણ મોંઘા ભાવે શાકભાજી ખરીદવાની નોબત આવે છે. દૂધ, અનાજ, કઠોળ, તેલના ભાવો આસમાને હોય ત્યારે શાકભાજીના વધતા ભાવો માણસને ખોરાકમાં શું લેવું એ વિચારવા મજબુર કરી દે છે. ફકત શાકને રોટલો ખાનારો મજૂર વર્ગ તો માત્ર શાકભાજીના ઊંચા ભાવો સાંભળીને જ પેટ ભરી લે છે. તો આવા તહેવારોની આડમાં બેફામ ભાવ વધારાને રોકવા કોઇક તો પગલા લેવાવા જોઇએ. જેથી વિક્રેતાઓ તહેવારોને લીધે કરતા શાકભાજીના બેફામ ભાવવધારા પર રોક લગાવે અને ભરશિયાળે દરેક વ્યકિતને સસ્તા અને તરોતાજા શાકભાજી આરોગવા મળી શકે.
અમરોલી – પાયલ વી. પટેલ –આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.