Vadodara

તરસાલીમાં ગટરનાં ઢાંકણથી બેકાબૂ બાઈક ચાલક યુવક રસ્તા પર પટકાયો

રવિ પાર્ક ચાર રસ્તા પાસે અકસ્માત, ઇજાગ્રસ્તને સયાજી હોસ્પિટલ ખસેડાયો; કોર્પોરેશનની બેદરકારી સામે સ્થાનિકોમાં આક્રોશ

વડોદરા શહેરમાં ફરી એકવાર પાલિકાની બેદરકારી સામે આવી છે. તરસાલી વિસ્તારમાં આવેલ રવિ પાર્ક ચાર રસ્તા પાસે જાહેર માર્ગ પર ગટરના ઢાંકણને કારણે દુર્ઘટના સર્જાઈ હતી. અહીંથી પસાર થતો એક યુવક પોતાની ગાડી પર જઈ રહ્યો હતો ત્યારે અચાનક ગટરના ઢાંકણ ઉપર ચઢી જતાં તેનો સંતુલન બગડ્યો અને તે રસ્તા પર પટકાય ગયો.દુર્ઘટનામાં યુવકને માથા અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ થતાં તાત્કાલિક સયાજી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયો હતો. હાલ તેની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક લોકોએ ઘટનાસ્થળે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને મહાનગરપાલિકાની બેદરકારીને જવાબદાર ઠેરવી હતી.
નગરજનોનો આક્ષેપ છે કે શહેરના અનેક વિસ્તારોમાં ગટરના ઢાંકણા તૂટી ગયેલા કે ખોટી રીતે લગાડેલા છે, જેના કારણે વાહનચાલકો અને પગપાળા નાગરિકોને અકસ્માતનો ભોગ બનવું પડે છે. તરસાલી વિસ્તારના રહેવાસીઓએ જણાવ્યું હતું કે ગટરના ઢાંકણ અંગે અગાઉ પણ કોર્પોરેશનને જાણ કરવામાં આવી હોવા છતાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી.
સ્થાનિકોએ ચેતવણી આપી હતી કે જો તંત્ર આ મુદ્દે તાત્કાલિક પગલાં નહીં ભરે તો આવનારા સમયમાં આવાં અકસ્માતો મોતમાં પણ ફેરવાઈ શકે છે.નગરજનો માંગ કરી રહ્યા છે કે ગટરના તમામ ઢાંકણા તાત્કાલિક રીતે ચકાસવામાં આવે અને જ્યાં ખામી છે ત્યાં મજબૂત ઢાંકણ બેસાડવામાં આવે જેથી કરીને ભવિષ્યમાં અકસ્માતો અટકાવી શકાય.

યુવક તેમના ભાઈ અને માતા-પિતા સહિતના પરિવારજનોના સભ્યોને ઓળખી પણ શકતો નથી. જાણે યુવક કોમામાં સરી પડ્યો છે. ત્યારે કુંભકર્ણની નિદ્રામાં ઊંઘી રહેલા પાલિકાના સત્તાધીશો હજુ પણ કેટલા યુવકોના મોતની રાહ જોઈને જાણે બેઠા હોય તેમ રોડ પર પડેલા ખાડા પુરવાની તસ્દી લેતા નથી. ત્યારે આ ખાડાઓના કારણે ઘણા લોકોના માતા પિતા, પુત્ર અને ભાઈ બહેને જીવ ગુમાવવો પડી રહ્યો છે. પરંતુ પાલિકાના તંત્રના પેટનું પાણી હાલતું નથી.

કોઈ ઘટના બને તે જ જગ્યા પર ખાડા પૂરવા માટે અધિકારીઓ માણસોને કામે લગાવી દેતા હોય છે પરંતુ આ જાડી ચામડીના અધિકારીઓને શહેરની અન્ય જગ્યાઓ પર પડેલા ખાડા પુરાવવાની સહેજપણ દરકાર કરતા નથી. જે રોડ પર અકસ્માત થયો છે ત્યાં જ માત્ર દેખાડા પૂરતી કામગીરી અધિકારીઓ કરે છે. ઉલ્લેખનીય છે કે તરસાલી નવિના રોડ પર જ્યાં ઘટના બની છે ત્યાં ડ્રેનેજના ચેમ્બરના સળિયા પણ દેખાઈ ગયા હોવા છતાં તેને પણ રીપેર કરાવાતા નથી.

Most Popular

To Top