Vadodara

​તરસાલીમાં ખોદકામ દરમિયાન લાઈન તોડી નંખાતા રોડ પર ‘નદીઓ’ વહી

એકતરફ જનતા પાણી માટે વલખાં મારે છે, બીજી તરફ કોન્ટ્રાક્ટરની બેદરકારીથી લાખો લીટરનો વેડફાટ

બેજવાબદાર કોન્ટ્રાક્ટર અને નિરીક્ષકો સામે કડક પગલાં ભરે તેવી લોક માંગ

વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં જ્યારે જનતા શુદ્ધ પીવાના પાણી માટે વલખાં મારી રહી છે અને અપૂરતા પાણીની બૂમો પડી રહી છે, ત્યારે બીજી તરફ પાલિકાના બેજવાબદાર કોન્ટ્રાક્ટરો દ્વારા વિકાસના નામે વિનાશ કરવામાં આવી રહ્યો છે. શનિવારે સવારે તરસાલી વિસ્તારના શાક માર્કેટ પાસે આવેલા મહાકાળી માતાજીના મંદિર નજીક કોન્ટ્રાક્ટરના આડેધડ ખોદકામને કારણે પાણીની મુખ્ય લાઈન તૂટી ગઈ હતી. આ ઘટનાને પગલે લાખો લીટર શુદ્ધ પાણી ગટરોમાં વહી ગયું હતું, જેના કારણે સ્થાનિક રહીશોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળ્યો છે.
પાણીની લાઈન તૂટતાની સાથે જ સમગ્ર રસ્તા પર પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. કલાકો સુધી પીવાનું કિંમતી પાણી રસ્તાઓ પર વેડફાતું રહ્યું, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે કોઈ પણ જવાબદાર નિરીક્ષક કે અધિકારી ઘટનાસ્થળે ફરક્યા ન હતા. આ વિસ્તારના રહીશોએ જણાવ્યું હતું કે, “એકબાજુ અમને પૂરતું પાણી મળતું નથી અને બીજી બાજુ તંત્રની નજર સામે આટલો મોટો વેડફાટ થઈ રહ્યો છે, શું આ જ સ્માર્ટ સિટી છે?”
રસ્તાઓ પર પાણી ફરી વળવાને કારણે વાહનચાલકો અને રાહદારીઓની હાલત કફોડી બની હતી. પાણી અને કાદવના કારણે દ્વિ-ચક્રી વાહનો સ્લિપ થવાની અને અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી હતી. શાક માર્કેટ હોવાથી લોકોની ભારે ભીડ વચ્ચે વાહનો ચલાવવા મુશ્કેલ બન્યા હતા.
વારંવાર બનતી આવી ઘટનાઓ પાછળ માત્ર કોન્ટ્રાક્ટરની બેદરકારી જ નહીં, પણ સ્થળ પર દેખરેખ રાખનારા નિરીક્ષકો ની નિષ્ફળતા પણ જવાબદાર છે. લોકોમાં એવી ચર્ચા છે કે જો યોગ્ય મેપિંગ અને સુપરવિઝન હેઠળ કામ થતું હોય તો વારંવાર લાઈનો કેમ તૂટે છે?
શહેરની જનતા હવે માંગ કરી રહી છે કે મ્યુનિસિપલ કમિશનર માત્ર કોન્ટ્રાક્ટર જ નહીં, પરંતુ જે-તે વિસ્તારના બેજવાબદાર નિરીક્ષકો અને લાપરવા અધિકારીઓ સામે પણ કડક ખાતાકીય તપાસ કરીને શિક્ષાત્મક પગલાં ભરે. ટેક્સના પૈસાનો અને પાણી જેવા અમૂલ્ય સંસાધનનો આવો વેડફાટ હવે ચલાવી લેવામાં આવશે નહીં.

Most Popular

To Top