વારંવાર માંગણી છતાં દસ્તાવેજ ન કરીને ત્રિપુટીએ ટાળટૂળ કરી
ચૂકવેલા રૂપિયા પણ પરત ન આપતા પીડિત વેપારીએ વરણામા પોલીસનો સહારો લીધો
પ્રતિનિધિ વડોદરા તા. 11
વડોદરા તાલુકાના તતારપુરા ગામે આવેલી જમીન વેચાણ આપવાના બહાને જમીન દલાલ સહિતની ત્રિપુટીએ ખરીદનાર પાસેથી રૂ. 48 લાખ એડવાન્સ તરીકે મેળવી લીધા હોવાની તથા બાદમાં ન તો જમીનનો વેચાણ દસ્તાવેજ કર્યો અને ન જ ચૂકવેલા રૂપિયા પરત આપ્યા હોવાની ગંભીર ફરિયાદ વરણામા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ઘટના સામે આવતા વિસ્તારમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે.
સોદો નક્કી કર્યા બાદ 48 લાખ લીધા, દસ્તાવેજ ન કરતા પીડિતોએ દાદ માગી
ફરિયાદ મુજબ વડોદરા જિલ્લાના અકોટા વિસ્તારમાં સાકેત એપાર્ટમેન્ટમાં રહેતા નવીનચંદ્ર વલ્લભદાસ ઉકાણી (ઉ.વ. 64) છેલ્લા 30 વર્ષથી ગોકુલ ફરસાણની દુકાન ચલાવે છે. જમીનમાં રોકાણ કરવા તેઓ તથા તેમના મિત્રો રાજેશકુમાર કપુપરા અને ડેનિસકુમાર ત્રાંભડિયાએ તતારપુરા ગામે આવેલી કનુભાઈ નરસિંહભાઈ પટેલની આશરે 13 વીઘા જમીન ખરીદવાનું નક્કી કર્યું હતું.
જમીન દલાલ ભાવેશ બાવનજીભાઈ વરસાણી મારફતે પરેશભાઈ કનુભાઈ પટેલ સાથે સોદો નક્કી થયો હતો. એક વીઘાનો ભાવ રૂ. 15.50 લાખ નક્કી થતાં ત્રિપુટી – કનુભાઈ પટેલ, પરેશભાઈ પટેલ અને દલાલ ભાવેશ વરસાણી –એ કુલ રૂ. 48 લાખ એડવાન્સ રૂપે ઓનલાઇન લઈ લીધા હતા.
“દસ્તાવેજ પણ નહીં, રૂપિયા પણ નહીં” — પીડિતનો આક્ષેપ; પોલીસ તપાસમાં પીડિતોએ આક્ષેપ કર્યો છે કે ત્રણેય જણાએ અંદરથી રૂપિયા વહેંચી લીધા હોવા છતાં આજદિન સુધી કોઈપણ વેચાણ દસ્તાવેજ કરી આપ્યો નથી. વારંવાર કહેવા છતાં ન તો જમીન આપી અને ન જ પૈસા પરત આપ્યા, જે સ્પષ્ટ છેતરપિંડી ગણાય છે.
આ અંગે નવીનચંદ્ર ઉકાણીએ વરણામા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કનુભાઈ નરસિંહભાઈ પટેલ, પરેશભાઈ કનુભાઈ પટેલ (બંને રહે. તતારપુરા) તથા ભાવેશભાઈ બાવનજીભાઈ વરસાણી (રહે. કૃષ્ણા સિટી, ફેલનપુર) વિરુદ્ધ ગુનો નોંધી જરૂરી તપાસ શરૂ કરી છે. પોલીસ ત્રિપુટીને ઝડપી પાડવા માટે દોડધામ કરી રહી છે.