લાલબાગ ઢોરડબ્બા પાસે અગ્રણીઓનો ઢોરપાર્ટી સામે વિરોધ
ન્યાય નહીં મળે તો સમગ્ર ઘટનાની ફરિયાદ કોર્ટમાં કરવામાં આવશેની ચીમકી ઉચ્ચારી
વડોદરા મહાનગર પાલિકાની ઢોરપાર્ટી વધુ એકવાર વિવાદમાં સપડાઈ છે. વારસિયામાં ગયેલી ઢોરપાર્ટી પર કામગીરી દરમિયાન આખલાનું મોત થયાના આક્ષેપ કરવામાં આવ્યા છે. આ ઘટનાને માલધારીઓમાં રોષ ફેલાયો છે.
શહેરના લાલબાગ સ્થિત ઢોરડબ્બા પાસે જીવણ ભરવાડ અને અગ્રણીઓ દ્બારા ઢોરપાર્ટી સામે વિરોધ કરવામાં આવ્યો છે. ઢોરપાર્ટીના અધિકારીની બદલી કરવા માંગ કરવામાં આવી હતી. રસ્તે રખડતા ઢોર પકડવાની કાર્યવાહી કરતી કોર્પોરેશનની ઢોર પાર્ટીની કામગીરી દરમિયાન એક આખલાનું મરણ થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
મૃતક આખલાને લાલબાગ ઢોરવાડા ખાતે લાવવામાં આવતા અહીં માલધારી સમાજના આગેવાનો ઉમટી પડ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે અગાઉ બે મહિના પહેલા બે ગાયના મોત નીપજ્યા હતા અને આ માટે પણ તંત્ર જ જવાબદાર હતું. ત્યારે આજે નંદીનું મરણ થયું છે. અમારા પશુના વારંવાર થતા મરણથી સમાજમાં ખૂબ નારાજગી છે. એક તરફ સરકાર ગૌરક્ષાની વાતો કરે છે અને બીજી તરફ પાલિકાની થતી કાર્યવાહી વેળા અમારા પશુના મોત થઈ રહ્યા છે. આ મામલે મેયર પણ એટલા જ જવાબદાર છે. સમગ્ર ઘટના અંગે અમે મેયરને રૂબરૂ મળી રજૂઆત કરીશું અને જો ન્યાય નહીં મળે તો સમગ્ર ઘટનાની ફરિયાદ કોર્ટમાં કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.