નિયમ 18 મીટરનો, ખોદકામ મનસ્વી: ટીપી સ્કીમનો રોડ અવરોધાતા રહીશો રોષે ભરાયા; કહ્યું, “કામનો વિરોધ નથી, પણ ખાડામાંથી પસાર થઈને જીવનું જોખમ નહીં લઈએ”

વડોદરા શહેરના હરણી વારસિયા રીંગરોડ ઉપર આવેલ પંચશીલથી પ્રાણાયામ તરફ જવાના માર્ગ પર ચાલી રહેલા કોર્પોરેશનના ડ્રેનેજ પ્રોજેક્ટની કામગીરીએ સ્થાનિક રહીશો માટે માથાનો દુખાવો ઊભો કર્યો છે. સોસાયટીના રહીશોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડતા, આખરે તેમણે એકઠા થઈને કામગીરી અટકાવી વિરોધ નોંધાવ્યો હતો. જાણે વિકાસની ગતિએ લોકોને રસ્તામાં ‘ખાડા’માં ઉતારી દીધા હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે.

મળતી માહિતી મુજબ, વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ ડ્રેનેજ પ્રોજેક્ટનું કામ એક ખાનગી કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવ્યું છે. કામગીરીની શરૂઆતથી જ સ્થાનિક સોસાયટીના લોકોએ રજૂઆત કરી હતી, પરંતુ તંત્ર દ્વારા તેને ગણકારવામાં ન આવતા વિવાદ વકર્યો છે.
સ્થાનિકોના મતે, આખો રસ્તો ખોદી નાખવામાં આવ્યો છે, જેના કારણે લોકોને ખાડાઓમાંથી પસાર થઈને સોસાયટીમાં જવું પડે છે. વારંવારની રજૂઆતો છતાં કોર્પોરેશન કે કોન્ટ્રાક્ટરે કોઈ ધ્યાન આપ્યું નથી. એક રહીશે વ્યંગમાં કહ્યું, “અમે સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ ન કર્યો હોય, તો પણ આ રીતે કામ ન કરીએ!”
ડ્રેનેજની કામગીરીને પગલે આ મુખ્ય માર્ગ હાલમાં વન-વે બની ગયો છે, જેના કારણે ટ્રાફિકનું ભારે ભારણ રહે છે. ઉપરાંત, ખોદાયેલા રસ્તા અને ટ્રાફિકની ગીચતાને લીધે ગમે ત્યારે અકસ્માત થવાનો ભય પણ ઊભો થયો છે.
વિરોધ કરી રહેલા સ્થાનિક લોકોએ સ્પષ્ટતા કરી કે તેઓ વિકાસના કામની વિરુદ્ધમાં નથી. તેઓએ જણાવ્યું હતું કે, “અમને કામ થાય એની સામે કોઈ વાંધો નથી, પરંતુ તે કામ કરતી વખતે પબ્લિકને હેરાનગતિ ન થાય અને અમારી સોસાયટીમાં અવરજવરનો જે રસ્તો છે, તે સચવાય તે મુજબ વ્યવસ્થા થવી જોઈએ.”
રહીશોએ એવો મુદ્દો પણ ઉઠાવ્યો કે આ રોડ ટીપી સ્કીમ નંબર 7માં 18 મીટરનો મંજૂર થયેલો છે, જોકે સ્થળ પર તેટલો ન હોવા છતાં કોન્ટ્રાક્ટર તે જગ્યા પર કામ કરી રહ્યા છે. સ્થાનિકોની માંગ છે કે નડતરરૂપ જે હોય તે દૂર કર્યા બાદ જ કામગીરી આગળ વધારવામાં આવે.
તેમણે ભારપૂર્વક જણાવ્યું: “કામ રોકવા પાછળનો હેતુ માત્ર એક જ છે કે પબ્લિકની સલામતી જળવાય અને લોકોને અગવડતા ન પડે.”
હાલમાં કામગીરી અટકી ગઈ છે અને સ્થાનિકોની માગ છે કે જ્યાં સુધી યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા અને સલામતીના પગલાં લેવામાં ન આવે ત્યાં સુધી કામ આગળ વધારવું નહીં. હવે જોવાનું એ રહે છે કે કોર્પોરેશન અને કોન્ટ્રાક્ટર દ્વારા આ સમસ્યાનું નિરાકરણ ક્યારે લાવવામાં આવે છે.
માણસ માટે રોડ બનાવો છો કે દેડકા માટે?
“અમે વિકાસના વિરોધી નથી, પણ ડ્રેનેજનું કામ કરતા પહેલા કોર્પોરેશન એટલું તો વિચારે કે અમે સોસાયટીમાં જઈશું ક્યાંથી? આખો રસ્તો ખોદી નાખ્યો છે, જાણે અમારા માટે નહીં પણ માત્ર દેડકાં માટે રોડ બનાવતા હોય!” … દિનેશ ચોક્સી (સ્થાનિક)
હેરાન કરીને વિકાસ ન જોઈએ.”…
”કોન્ટ્રાક્ટરને કહી દો કે, કામ ભલે કરો, પણ આ વન-વે ટ્રાફિક અને ખુલ્લા ખાડાઓને કારણે ગમે ત્યારે મોટો અકસ્માત થશે તો જવાબદારી કોની? અમારો વિરોધ કામનો નહીં, પણ જીવના જોખમવાળી કામગીરીનો છે.” … ગોપાલ કૃષ્ણ સોસાયટી વિનય પંડ્યા (સ્થાનિક)