Vadodara

ડોન શહેબાઝ પઠાણની ચરબી ઉતરી ગઈ, પોલીસે યુવકને માર માર્યાના ગણતરીના કલાકમાં ઝડપી પાડ્યો

માથાભારે શખ્સ સહિતની ત્રિપુટીને કાન પકડાવી જાહેરમાં માફી મંગાવી
પ્રતિનિધિ વડોદરા તા.23
નવાયાર્ડ વિસ્તારમાં પોતાને ડોન માનતા સાહેબાઝ પઠાણની દાદાગીરી દીન પ્રતિદિન વધી રહી છે. દરમિયાન રીક્ષા ચાલક તથા તેના ભાઈને આ માથાભારે શખ્સ સાહિની ત્રિપુટીએ ઢોર માર્યો હતો. જાનથી મારી નાખવાની ધમકી પણ આપતા રીક્ષા ચાલકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ માથાભારે ત્રિપુટીને ઝડપી પાડ્યા બાદ કાન પકડાવીને માફી મંગાવી હતી.


વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં રહેતા રિક્ષાચાલક નાઝીમ અબ્દુલ કાદીર ખલીલખાન પઠાણે 22 નવેમ્બરના રોજ રાત્રે 9 વાગ્યાની આસપાસ ભાઈના દીકરા અજીમખાન આસમોહમ્મદ પઠાણ સાથે એક્ટિવા પર ફૂલવાડી ચોકડી પાસે કામ અર્થે ગયા હતા. ત્યારબાદ કામ પૂરું કરીને રાત્રે 9:30 વાગ્યાની આસપાસ ઘરે પરત ફરતાં ડી-કેબીન રોડ પર અજીમ ખાનને ફોન આવતાં તેણે એક્ટિવા રોડની સાઇડમાં ઊભી રાખી હતી. દરમિયાન શહેબાઝ પઠાણ મોપેડ પર ધસી આવ્યો હતો અને ગાળો આપવા લાગ્યો હતો. જેથી યુવકે તેને ગાળો નહી બોલવા કહેતાં શહેબાઝે
અજીમ ખાનને ગાલ પર લાફો મારી દીધો હતો. નાઝીમે તેને રોકવાનો પ્રયાસ કરતાં શહેબાઝ અને બે મિત્રો ત્યાં પહોંચી ગયા હતા અને તમામે ભેગા મળીને નાઝીમને રોડની સાઇડમાં લઈ જઈને ઢોર માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. નાઝીમનો મોટો ભાઈ નાસીરખાન વચ્ચે છોડાવવા પડતા ત્રણેય આરોપીઓએ તેના પર પણ હુમલો કર્યો હતો. નાઝીમને ઇજા પહોંચતા સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. નાઝીમ પઠાણએ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે શહેબાઝ પઠાણ સહિતની ત્રિપુટીની ધરપકડ કરી હતી. ત્યાંર બાદ આરોપીને કાન પકડાવી ઉઠક બેઠક કરાવી માફી મંગાવી કાયદાના પાઠ ભણાવ્યા હતા.

Most Popular

To Top