ડેસર: ડેસર તાલુકાના ગોરસણ ગામની સીતા તલાવડી પાસે રહેતા ખેડૂતની પત્ની ખેતરમાં પશુ માટે ઘાસ લેવા ગયેલી ત્યારે ખેતર વચ્ચેથી પસાર થતી હાઈ પાવર વીજ લાઈનનો તાર વાવાઝોડામાં તૂટીને પડ્યો હતો. જે વીજ કરંટ પરિણીતાને લાગતા તેનું મોત નીપજયું હતું.
ખેતર વચ્ચે વીજ થાંભલા ઉપરથી તૂટીને પડેલો જીવતો વાયર યમદૂત બનીને તેની રાહ જોઈ રહ્યો હતો. ખેતરમાં પડેલો વીજ વાયર તેઓને દેખાયો નહીં અને જલ્પાબેન પરમારને વીજ કરંટ લાગતા તેઓનું તરતજ ઘટના સ્થળે મૃત્યુ પામ્યા હતા.
ખેતરે પશુ માટે ઘાસ લેવા ગયેલા જલ્પાબેન કલાકો સુધી ઘરે પરત ના આવતા ઘરે પત્નીની રાહ જોઈને બેઠેલા પતિ હિતેશભાઈ ખેતરમાં તપાસ કરવા માટે પહોંચ્યા, ત્યારે પોતાની ધર્મપત્નીને થાંભલા નજીક પડેલા જોઈ હેબતાઈ ગયા હતા. પતિએ સામાન્ય હાથ લગાવતા તેઓને પણ વીજ કરંટે ઝપેટમાં લીધા હતા અને હાથમાં કરંટનો ઝાટકો લાગ્યો હતો. વાયુવેગે વાત પ્રસરતા એમજીવીસીએલને જાણ કરી વિસ્તારની તમામ વીજળી બંધ કરાવી હતી.
વાવાઝોડામાં ખેતર વચ્ચેથી પસાર થતો વીજવાયર તૂટી પડ્યો હતો . પરંતુ કોઈને જાણ ન હોવાથી એમજીવીસીએલમાં જાણ કરી ન હતી. ખેડૂત પતિ પત્ની બંનેને કરંટ લાગતા પત્ની જલ્પાબેન પરમારનું મોત નીપજતા ડેસરની સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ માટે ખસેડીને ડેસર પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. ઘાયલ થયેલા હિતેશ પરમારને ઉમરેઠની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. ડેસર દવાખાને પરિવારના આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યું હતું.