કાલોલ: કાલોલ તાલુકાના ડેરોલ સ્ટેશને નવા બનનારા અંડરબ્રિજનું ગુરુવારે ખાતમુહુર્ત કરાયું હતું. ડેરોલ સ્ટેશન સ્થિત રેલ્વે લાઈનના ફાટક નંબર ૩૨ના ટેકનિકલ છબરડાને પગલે સર્જાતી ટ્રાફિક સમસ્યાના કાયમી નિવારણ માટે રેલવે અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે વર્ષ ૨૦૧૭માં રેલવે ઓવરબ્રિજને મંજૂર કરી કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી.
પરંતુ મુખ્ય કોન્ટ્રાક્ટરે કામગીરી અધુરી છોડી દીધી હતી. જેથી એક તરફ ફાટક ફરતે ત્રણ ચાર કીમીના ડાયવર્ઝનને કારણે સ્થાનિક લોકો અને વાહનચાલકો અટવાયા હતા. તદ્ઉપરાંત ફાટક પાસે આવેલી શાળાઓના વિદ્યાર્થીઓ અને સ્થાનિક અસરગ્રસ્તો માટે જોખમી રીતે ચાલીને રેલવે લાઇન ક્રોસ કરવા માટે મજબૂર બની ગયા હતા.
જે મધ્યે પાછલા અઠવાડિયે સ્થાનિક એક મહિલાએ રેલવે લાઇન ક્રોસ કરવા જતાં ટ્રેનની અડફેટે મહિલાએ જીવ ગુમાવ્યો હતો. જેથી ઓવરબ્રિજ બને ત્યાં સુધી ફાટક પાસે એક અંડરબ્રીજ બનાવવાની અનેક રજૂઆતોને કારણે રેલવે તંત્ર દ્વારા રૂપિયા અઢી કરોડના ખર્ચે તૈયાર થનારા અંડરબ્રિજની મંજૂરી આપીને ગુરુવારે આ અંડરબ્રિજની ખાતમુહૂર્ત વિધિ કરવામાં આવી હતી.