Vadodara

ડેથ ઝોન દુમાડ: હિટ એન્ડ રનમાં વૃદ્ધ ગંભીર રીતે ઘાયલ, સારવાર દરમિયાન મોત

અવારનવાર થતાં અકસ્માતોથી અનેક જીવ ગયા, તાજેતરમાં 60 વર્ષીય વૃધ્ધનું પણ અકસ્માતમાં અંત

અજાણ્યા વાહન ચાલક ટક્કર મારી નાસી ગયો, પોલીસે CCTV ચકાસણીથી તપાસ શરૂ કરી

વડોદરા : શહેરની દુમાડ ચોકડી પાસે ફરી એકવાર જીવલેણ અકસ્માતે માનવીય જાનહાનિ સર્જી છે. મુંબઈ-અમદાવાદ નેશનલ હાઇવે નંબર 47 પર સ્થિત તુલિપ હોટલની સામે મંગળવારે સવારે અજાણ્યા વાહનની ભારે ટક્કરથી 60 વર્ષીય વૃદ્ધ ઘાયલ થયા હતા. તેમને તાત્કાલિક સયાજી હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.

સમા પોલીસ સ્ટેશનમાં ચા-નાસ્તાની લારી ચલાવતા નરેન્દ્રસિંહ ચૌહાણે નોંધાવેલી ફરિયાદ મુજબ, દુમાડ ચોકડીથી દેણા ચોકડી તરફ જતા હાઇવે ઉપર આ ઘટના બની હતી. વૃદ્ધ સુરતથી અમદાવાદ તરફના ભાગે ચાલતા-ચાલતા રોડ ક્રોસ કરવા ડિવાઈડર પાસે આવ્યા હતા. એ સમયે દુમાડ બ્રિજ તરફથી પૂરઝડપે આવતા અજાણ્યા વાહનચાલકે ગફલતભરી રીતે વાહન હંકારી તેમને અડફેટે લીધા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે વૃદ્ધ હવામાં ઊછળી રોડ પર પટકાયા અને ગંભીર રીતે ઘાયલ થયા હતા.
સ્થળ પર ઉપસ્થિત લોકોએ તરત જ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. વૃદ્ધના માથા અને નાકમાંથી લોહી વહેતું હતું. એમ્બ્યુલન્સ મારફતે તેમને તુરંત સયાજી હોસ્પિટલ ખસેડાયા હતા, પરંતુ ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા.
અજાણ્યા વાહનચાલક અકસ્માત બાદ ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. પોલીસ હવે નજીકના વિસ્તારોમાં આવેલા સીસીટીવી ફૂટેજના આધારે વાહનની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે. સમા પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે દુમાડ ચોકડી વિસ્તારમાં છેલ્લા કેટલાક મહિનાઓથી વારંવાર અકસ્માતોની ઘટનાઓ નોંધાઈ રહી છે. ભારે વાહન વ્યવહાર અને માર્ગ ઉપર પૂરતી લાઈટિંગ ન હોવાથી આ વિસ્તાર ‘ડેથ ઝોન’ તરીકે ઓળખાય છે. સ્થાનિક વેપારીઓ અકસ્માત નિયંત્રણ માટે સ્પીડ બ્રેકર, ઝેબ્રા ક્રોસિંગ અને પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગણી ઉત્કટ સ્વરે કરી છે.

Most Popular

To Top