ડેડિયાપાડા: ડેડિયાપાડા (Dediapada) અંતરિયાળ વિસ્તારમાં વારતહેવારે કાચાં ઘરોને આગ (Fire) લાગવાની ઘટના છતાં તેને અંકુશ કરવા માટે ફાયર બ્રિગેડની (Fire Brigade) અગવડ દેખાઈ આવે છે. હાલમાં જ ડેડિયાપાડાના બલ ગામે ત્રણ કાચાં ઘરો બળતાં છેક રાજપીપળા (Rajpipla) ફાયર ફાયટરો બોલાવતાં ચાર કલાકે પહોંચતાં ઘરવખરી સહિત તમામ સામાન બળીને ખાખ થઇ જતાં પરિવાર નોધારા બની ગયા હતા.ડેડિયાપાડાના બલ ગામે શનિવારે બપોરે મજૂરીકામ કરતા ઉબડિયાભાઈ ટીડિયાભાઈ વસાવા, રિતેશભાઈ ઉબડીયાભાઈ વસાવા તેમજ દિનેશભાઈ રૂપસિંગભાઈ વસાવાના ઘરને અગમ્ય કારણોસર આગે ચપેટમાં લીધાં હતાં. ઘરમાં આગને કાબૂ કરવા ડોલ દ્વારા પાણી છાંટી પ્રયાસ કરાયો હતો.
- ડેડિયાપાડાના બલ ગામે આગ ભભૂકતાં ત્રણ ઘર બળીને ખાખ
- રાજપીપળા ફાયર ફાયટરો બોલાવતાં ચાર કલાકે પહોંચતાં
- ઘરવખરી સહિત તમામ સામાન બળીને ખાખ
આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં બેકાબૂ બની હતી
જો કે, આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં બેકાબૂ બની હતી. આગની માહિતી રાજપીપળા ફાયર બ્રિગેડ મળતાં છેક ૫૭ કિમી દૂરથી બંબો આવતાં લગભગ ચારેક કલાક લાગ્યા હતા. જેને કારણે ઘરવખરી સામાન સહિત ત્રણેય ઘરો બળીને કોલસો થઇ ગયો હતો. આ બનાવમાં પરિવારજનો બેઘર બની ગયા હતા. સમગ્ર ઘટના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ઘટના સ્થળે ગયા હતા. પરિજનોને મળીને માહિતી એકત્ર કરી હતી.
ફાઈટરની સુવિધા ઊભી કરવા માટે તીવ્ર માંગ ઊભી થઇ
ખાસ કરીને સાતપુડાના ડેડિયાપાડા-સાગબારા વિસ્તારમાં ૩૦૫ જેટલાં ગામોમાં ક્યારેક છાસવારે આગ લાગવાની ઘટના બનતી હોવાથી તેને કાબૂમાં કરવા પારકા વિસ્તારમાંથી ફાયર ટીમ બોલાવવી પડે અને સમયસર ન પહોંચતાં આખરે ઘરો બળી જતાં હોય છે. જેથી ડેડિયાપાડા વિસ્તારમાં ફાયર ફાઈટરની સુવિધા ઊભી કરવા માટે તીવ્ર માંગ ઊભી થઇ રહી છે.
આમોદ નેશનલ હાઇવે પર ડિવાઈડર ઉપર કાર ચઢી જતાં બે મહિલા ઘાયલ
ભરૂચ: ભરૂચના આમોદ પાસેથી પસાર થતા નેશનલ હાઇવે નં.૬૪ ઉપર ગત રોજ રાત્રિના સમયે કાર ડિવાઈડર ઉપર ચઢી જતાં કારને નુકસાન થયું હતું. તેમજ કારની અંદર બેઠેલી બે મહિલા ઇજાગ્રસ્ત થતાં સારવાર માટે સામૂહિક આરોગ્ય કેન્દ્ર આમોદ ખાતે ખસેડવામાં આવી હતી. ત્યાર બાદ વધુ સારવાર માટે વડોદરા ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ભરૂચથી આમોદ સંબંધીના ઘરે આવતાં આછોદ ચોકડી પાસે રિફ્લેક્ટર લાઈટના અભાવે કાર ડિવાઈડર ઉપર ચઢી ગઈ હતી. જેમાં કારની અંદર બેઠેલી બે મહિલા પૈકી રમીલાબેન સતીશ પટેલ (ઉં.વ.62)ને માથામાં ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. જ્યારે મધુબેન છોટાભાઈ પટેલ (ઉં.વ.70)ને ગળામાં ભાગે ઇજા થઇ હતી. આ ઉપરાંત કારને નુકસાન થયું હતું. કારચાલકે નેશનલ હાઇવે ઓથોરિટી સામે રોષ વ્યક્ત કર્યો હતો.