ગ્રાહકો અને વીજ કંપનીના ટેકનિકલ કર્મચારીઓ વચ્ચે થતા ઘર્ષણ અટકાવવાની માંગણી
ગુજરાત વિદ્યુત ટેકનિકલ કર્મચારી મંડળ દ્વારા કડક પોલીસ કાર્યવાહી કરવા એમજીવીસીએલના એમડીને રજૂઆત



( પ્રતિનિધિ )વડોદરા,તા.2
પાણીગેટ સબ ડિવિઝનમાં આવતા બાવામાં પુરા વિસ્તારમાં ડીસ કનેક્શનની કામગીરી કરવા ગયેલા આસિસ્ટન્ટ લાઈન મેન અને અન્ય કર્મચારી ઉપર ગ્રાહક દ્વારા તેમની પર હુમલો કરવામાં આવતા કર્મચારી આલમમાં ભારે રોષ ફેલાયો છે. ત્યારે વીજ ગ્રાહકો અને ટેકનિકલ કર્મચારીઓ વચ્ચે થતા ઘર્ષણ અટકાવવાની માંગણી સાથે ગુજરાત વિદ્યુત ટેકનીકલ કર્મચારી મંડળના સેક્રેટરી જનરલ દ્વારા એમજીવીસીએલના ડિરેક્ટરને રજૂઆત કરવામાં આવી છે.
વિચ ગ્રાહકોની વીજબિલની બાકી રકમ માટે ડિસ્કનેકશનની કામગીરી કરવા જતા વીજ ગ્રાહકો અને ટેકનિકલ કર્મચારીઓ વચ્ચે ઘર્ષણના બનાવો સામે આવી રહ્યા છે, સાથે જ ઘણી જગ્યાઓ પર ટેકનિકલ કર્મચારીઓ સાથે મારઝૂડ પણ કરવામાં આવતી હોય છે. આવો જ એક બનાવ આજે પાણીગેટ સબ ડિવિઝનના બન્યો હતો. જેમાં આસિસ્ટન્ટ લાઇનમેન પ્રવીણભાઈ ભોઈ અને જતીનભાઈ નામના બે કર્મચારીઓ બાવામાન પુરા વિસ્તારમાં ડીસ કનેક્શનની કામગીરી કરવા માટે ગયા હતા. જ્યાં ગ્રાહક દ્વારા તેમના પર હુમલો કરીને ઢોર માર મારવામાં આવ્યો હતો. ત્યારે આવા વારંવાર ટેકનિકલ કર્મચારીઓ પર થતા હુમલાના બનાવથી ટેકનિકલ કર્મચારીઓમાં ભારે રોષ ફેલાયો છે. ત્યારે, સમગ્ર મામલે ગુજરાત વિદ્યુત ટેકનિકલ કર્મચારી મંડળના જીવીટીકેએમના જનરલ સેક્રેટરી રાજુભાઈ ખત્રી દ્વારા એમજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટરને આ બનાવ અંગે કડક પોલીસ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.
જીવીટીકેએમના સેક્રેટરી જનરલ રાજુભાઈ ખત્રીએ જણાવ્યું હતું કે, ડીસ કનેક્શન એ કંપનીની અતિ મહત્વની રેવન્યુને લગતી કામગીરી છે. પરંતુ, દરેક સબ ડિવિઝનમાં આ કામગીરી માત્ર ટેકનિકલ કર્મચારીઓ પાસે જ કરાવવામાં આવે છે. દરેક ટેકનિકલ કર્મચારીની ટીમ સાથે ફરજિયાત કેશીયર તરીકે જુનિયર આસિસ્ટન્ટને મોકલવા જેથી સ્થળ પર જ ગ્રાહક વીજળીની રકમ ભરપાઈ કરી શકે અને આવા ઘર્ષણના બનાવ બનતા અટકાવી શકાય. જુનિયર આસિસ્ટન્ટને સાથે મોકલવાથી સ્થળ પર ગ્રાહકને વીજબિલની સંપૂર્ણ સમજ મળી રહે તે માટે વીજ ગ્રાહકને પણ સંતોષ થાય અને ખોટું ઘર્ષણ ન થાય. હાલમાં ટેકનીકલ કર્મચારીઓ ગ્રાહક પાસેથી વીજબીલની રકમ લઈ શકતા ન હોવાથી આ કામગીરીમાં કંપનીનો સમય પણ ખૂબ વેડફાઈ રહ્યો છે અને ટેકનિકલ કર્મચારીઓ સાથે આ અંગે વારંવાર આવા ઘર્ષણને કારણે હુમલાનો ભોગ બનવું પડે છે, તેથી આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા રજુઆત કરી છે.