સિંધરોટ નજીક રેલ્વેના બ્રિજ નીચે લટકતી નેટ અંગે જાગૃત નાગરિકોએ અગાઉ વિરોધ પણ કર્યો હતો :
બંને બ્રિજનું કામ પૂરુ થઈ ગયું છે અને તેના પરથી વાહનવ્યવહાર તેમજ ગુડ્સ ટ્રેનની અવરજવર શરૂ થઈ ગઈ છે :
( પ્રતિનિધિ ) વડોદરા તા.20
વડોદરા શહેર નજીક સિંધરોટ તરફ જતા ડીએસએફસીના બ્રિજ નીચે લગાવેલી જોખમી સેફટીનેટ આખરે તંત્ર દ્વારા દૂર કરી દેવામાં આવી છે.આ નેટની ઉપર મુકેલા મોટા પથ્થરો ગમે ત્યારે નેટ તોડીને નીચે પડે તો મોટી જાનહાનિ થવાની શકયતા હતી.
મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ વે તેમજ રેલવેના ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ડીએફસીસીના પ્રોજેક્ટમાં એક્સપ્રેસ વે માટે બનાવેલા સિંધરોટ તરફ જતા બ્રિજની નીચે સેફ્ટી નેટની ઉપર મુકેલા મોટા પથ્થરો તૂટી પડવાની ભીતિ સેવાઈ હતી. સ્થાનિકોના કહ્યા મુજબ અગાઉ આ નેટ તૂટી પણ પડી હતી. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. રેલવેના બે બ્રિજ પૈકી એક્સપ્રેસ વેનું કામ પૂર્ણ થતાંની સાથે જ આ સેફ્ટી નેટ હટાવી દીધા બાદ ત્યાંથી વાહનોની અવરજવર શરૂ કરી દેવામાં આવી હતી.પરંતુ રેલવેના પ્રોજેક્ટ માટેના બ્રિજની નીચેથી વાહનોની અવરજવર તો શરૂ કરી દેવામાં આવી છે પણ બ્રિજની નીચે લગાવેલી સેફ્ટી નેટ દૂર કરવામાં આવી ન હતી. હાલ તેના પરથી ગુડ્સ ટ્રેનની અવરજવર અને વાહનવ્યવહાર પણ શરૂ થઈ ગયો છે.
નોંધનીય છે કે સેવાસી થી ભીમપુરા તરફ જવા બે મોટા પ્રોજેક્ટોના બ્રિજોની નીચેથી પસાર થવું પડે છે. ભીમપુરા અને સોનારકુઇ નજીક બંને બ્રિજની પહોળાઇ મોટી હોવાથી લાંબા સમયથી કામ ચાલતું હતું. જેના કારણે ડાયવર્ઝન અપાતા અનેક વાહનચાલકોએ જે તે સમયે મુશ્કેલી સહન કરવી પડી હતી.