સરકાર માટે સોશિયલ મીડિયા પર અંકુશ લગાવવો જરૂરી છે. અભિવ્યક્તિની સ્વતંત્રતાને રમખાણો કરવાની મર્યાદા સુધી ખુલ્લું છોડી શકાય નહીં. ભારતમાં સોશિયલ મીડિયાના માધ્યમથી લોન, ડેટિંગ, પોર્નોગ્રાફી, સાઇબર છેતરપિંડી વગેરેના અપરાધ વધતા જઇ રહ્યા છે.
આવા મોટા ભાગના કેસમાં પોલીસ ફરિયાદ પછી નિકાલ માટે સમય માંગી લે છે. હવે સોશિયલ- ડિજિટલના નવા નિયમો મુજબ ભારતમાં જયારે અધિકારીઓની નિમણૂક થશે તો આ કંપનીઓએ ભારતમાં તમામ કાયદાનું પાલન કરવું પડશે.
વિદેશી કંપનીઓની ઓફિસ ભારતમાં હશે તો પોલીસને તપાસ અને અદાલતોને ચુકાદામાં સરળતા રહેશે. જેથી દોષિતોને વહેલી સજા મળશે. વિદેશી કંપનીઓના અધિકારીઓ ભારતમાં રહેશે તો તેમને આવકવેરો અને કંપનીના કાયદા હેઠળ ભારે ટેકસ ચુકવવો પડશે. તેનાથી ભારત સરકારની સાથે રાજયોને પણ કરવેરાની આવક થશે. આમ, ભારતમાં પોતાના ફરિયાદ અધિકારી, નોડલ અધિકારી અને કમ્પલાયન્સ અધિકારીની નિમણૂકથી સમાજ, વહીવટીતંત્ર અને અર્થતંત્રની તસવીર બદલાઈ જશે.
સૃષ્ટિ કનક શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.