Nadiad

ડાકોર તરફ આસ્થાનું ઘોડાપૂર: પદયાત્રીઓ ઉમટ્યા, સેવા કેમ્પો સક્રિય

નડિયાદ/મહેમદાવાદ
યાત્રાધામ ડાકોર મંદિર ખાતે આવનારી ફાગણી પૂનમ નિમિત્તે ઠાકોરજી રણછોડરાયના દર્શન કરવા પદયાત્રીઓનો ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે.

અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાંથી નીકળેલા હજારો શ્રદ્ધાળુઓ શનિવારે વહેલી સવારથી મહેમદાવાદના રાસ્કા ચેકપોસ્ટ મારફતે ખેડા જિલ્લામાં પ્રવેશતા ભક્તિમય માહોલ સર્જાયો હતો. ‘જય રણછોડ માખણચોર’ના ગગનભેદી નાદ સાથે સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો.
૫૨ ગજની ધજાઓ લહેરાવતા અને ભક્તિગીતોના રણકાર સાથે આગળ વધતા પદયાત્રીઓ માટે માર્ગો પર સેવાભાવી સંસ્થાઓ દ્વારા વિશાળ સેવા કેમ્પો કાર્યરત કરવામાં આવ્યા છે. મહેમદાવાદના રાસ્કા, આમસરણ, કનીજ અને ખાત્રજથી મહુધા તરફ જતા માર્ગો પર ઠેરઠેર વિશાળ ટેન્ટ, ડોમ અને વિસામા કેન્દ્રો ઉભા કરાયા છે.
આ સેવા કેમ્પોમાં પદયાત્રીઓ માટે ચા-નાસ્તો, ગરમાગરમ ભોજન, ઠંડુ શુદ્ધ પાણી તેમજ રાત્રિ રોકાણ માટે ગાદલા-પથારી જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. લાંબી પદયાત્રાથી થાકેલા ભક્તોને તાત્કાલિક આરોગ્ય સહાય મળે તે માટે મેડિકલ ટીમો અને પ્રાથમિક સારવારની વ્યવસ્થા પણ ગોઠવાઈ છે.
નાના બાળકો થી લઈને વૃદ્ધો સુધીના તમામ વયના લોકો પદયાત્રામાં જોડાઈ રહ્યા છે. માર્ગ પર આવેલા ગામોના ગ્રામજનો પોતાની શક્તિ મુજબ પદયાત્રીઓની સેવા કરી પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે. ફાગણી પૂનમના પવિત્ર અવસરે ડાકોર તરફ વધતો આસ્થા પ્રવાહ સમગ્ર ખેડા જિલ્લામાં ભક્તિમય વાતાવરણ પાથરી રહ્યો છે.

Most Popular

To Top