ડાકોર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં કોલેરાની બિમારીના દરરોજના 10 થી 15 કેસ…
ડાકોરમાં છેલ્લા કેટલાય દિવસોથી આરોગ્ય જોખમાય તેવી પરિસ્થિતિ ઉદભવતા નગરજનોમા ચિંતા પ્રસરી જવા પામી છે. ડાકોર ખાતે આવેલી સબ ડિસ્ટ્રિક હોસ્પિટલમાં વિવિધ વિસ્તારોમાંથી દરરોજ 10 થી 15 કેસ કોલેરાની બિમારીના નોંધાઈ રહ્યા છે. આ મામલે વહેલી તકે સાવચેતીના પગલાં લેવા જોઈએ તેવી માંગ ઉઠી છે.
ડાકોરમાં પીવાના પાણી સાથે ગટરના પાણી મિક્સ થવાથી પાણી અને પાણીજન્ય રોગ પ્રસરવાની ભીતી સેવાઈ રહી છે. યાત્રાધામ ડાકોરમાં રોગચાળાની સ્થિતિ સર્જાઈ હોવાથી પ્રજા ચિંતાજનક સ્થિતિમાં છે. ડાકોર ગામમાં ઠેર ઠેર ગટરના ગંદા પાણી ઉભરાઈ રહ્યા છે. આ પાણી મિક્સ થવાથી રહિશો પીવામાં ઉપયોગ કરી રહ્યા છે. ડાકોર પાલિકાની ઘોર બેદરકારી અને અણઆવડતના લીધે કોલેરાનો ભય ફેલાયો છે. ડાકોર પાલિકાએ હજુ સુધી કોઈપણ જાતની કાર્યવાહી કરી નથી. ગંદા પાણીના યોગ્ય નિકાલ માટે નિરાકરણ કર્યું નથી. જાહેર સ્થળો કે ગંદકીવાળી જગ્યાઓ ઉપર દવાનો છંટકાવ કરાતો નથી. આવી વિકટ પરિસ્થિતિના લીધે કોલેરાની બીમારીએ માથું ઊંચક્યું છે દરરોજ ગામડાના કોલેરાના કેસ યાત્રાધામ ડાકોર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં આવી રહ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા ગંભીર રોગચાળાની સ્થિતિ નિયંત્રણમાં લાવવા માટે વહેલી તકે કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ વ્યક્ત કરી છે.