ડાકોર: ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં આવેલ શ્રી રણછોડરાયજી મંદિરમાં ગુરૂવારના રોજ જેઠ સુદ પુનમના પવિત્ર દિવસે વહેલી સવારે મંગળા આરતી બાદ સાડા પાંચ વાગ્યાના અરસામાં ભગવાનને ૫૨૧ ગ્રામ કેસર, ચંદન, કંકુ, ગુલાબજળ, અત્તર સહિત સુગંધિત દ્રવ્ય મિશ્રિત જળથી જ્યેષ્ઠાભિષેક સ્નાન કરાવવામાં આવ્યું હતું. સતત ૭૨ મિનીટ સુધી ચાલેલાં આ જ્યેષ્ઠાભિષેક સ્નાનના અલૌકિક દર્શનનો લ્હાવો હજારો શ્રધ્ધાળુઓએ લીધો હતો. સમગ્ર દિવસ દરમિયાન એક લાખ કરતાં પણ વધુ શ્રધ્ધાળુઓએ રાજાધિરાજ શ્રી રણછોડરાયજી ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ડાકોર નગરના બસમથકથી લઈ શ્રી રણછોડરાયજી મંદિર સુધીના મુખ્ય માર્ગ સહિત મંદિર આસપાસના વિસ્તારો શ્રધ્ધાળુઓથી ખિચોખીચ ભરાઈ ગયાં હતાં. જય રણછોડ….માખણચોર ના નાદથી નગરના માર્ગો ગુંજી ઉઠ્યાં હતાં.
જેઠ સુદ પુનમના દિવસે યાત્રાધામ ડાકોરમાં બિરાજમાન રાજાધિરાજ શ્રી રણછોડરાયજી ભગવાનના દર્શનાર્થે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડ્યાં હતાં. કોરોના મહામારી વચ્ચે એક લાખ કરતાં વધુ શ્રધ્ધાળુઓએ કોવિડ ગાઈડલાઈનનો ભંગ કરી ભગવાનના દર્શન કર્યાં હતાં. મંદિરમાં પ્રવેશતાં દર્શનાર્થીઓના હાથ સેનિટાઈ કરવા તેમજ થર્મલ સ્ક્રીનીંગ કરવાની કોઈ વ્યવસ્થા મંદિર પ્રશાસન દ્વારા રાખવામાં આવી ન હતી. મોટાભાગના શ્રધ્ધાળુઓ માસ્ક વગર ફરતાં નજરે પડ્યાં હતાં. મોટી સંખ્યામાં ઉમટી પડેલાં શ્રધ્ધાળુઓથી સોશ્યલ ડિસ્ટન્સના પણ ધજાગરાં ઉડ્યાં હતાં. તેમછતાં પોલીસતંત્ર તેમજ વહીવટી તંત્રએ આંખ આડા કાન કર્યાં હતાં. મંદિર પ્રસાશન, પોલીસતંત્ર તેમજ વહીવટી તંત્રની આવી ઘોર બેદરકારીથી આવનાર દિવસોમાં કોરોનાની ત્રીજી લહેરનો ખતરો મંડરાઈ રહ્યો છે.
પાદરાના પદયાત્રીકોએ ડાકોરના ઠાકોરના દર્શન કર્યાં
પાદરા ગામમાં રહેતો રાણા પરિવાર છેલ્લાં ૨૨ વર્ષથી પગપાળા યાત્રા કરી જેઠ પુનમે ડાકોરના ઠાકોરના દર્શન કરે છે. જોકે, ગયા વર્ષે કોરોના મહામારીને પગલે મંદિર બંધ હોવાથી પદયાત્રા કરી ડાકોર પહોંચેલા રાણા પરિવારને ઠાકોરજીના દર્શન કરી શક્યાં ન હતાં. તેઓને મંદિરના મુખ્ય દ્વાર તેમજ ધજાના દર્શન કરી પરત ફરવું પડ્યું હતું. આ વર્ષે મંદિર ખુલ્લાં હોઈ રાણા પરિવારે ડાકોરના ઠાકોરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
વર્ષનું સૌથી મોટું અને ધાર્મિક મહત્વ ધરાવતું સ્નાન
રણછોડરાયજી મંદિરમાં દરરોજ મંગળા આરતી બાદ ઠાકોરજીને સ્નાન કરાવાય છે. જોકે, વર્ષમાં માત્ર એક વખત જેઠ પુનમના પવિત્ર દિવસે મંગળા આરતી બાદ જ્યેષ્ઠા નક્ષત્રમાં ઠાકોરજી ભગવાનને વિશેષ સ્નાન કરાવાય છે. જે વર્ષનું સૌથી મોટું અને ધાર્મિક મહત્વ ધરાવતું સ્નાન છે. ગ્રીષ્મ ઋતુમાં શીતળતા મળે તે ભાવ સાથે ૫૨૧ ગ્રામ કેસર, ચંદન, કંકુ, ગુલાબજળ, અત્તર સહિતના સુગંધિત દ્રવ્યો મિશ્રિત પવિત્ર જળથી ઠાકોરજીને સ્નાન કરાય છે. પુરૂષ સુક્તના મંત્રોચ્ચાર પુર્ણ ન થાય ત્યાં સુધી સ્નાન ચાલું રાખવામાં આવે છે.