Vadodara

ડાઉન ટાઉન હોન્ડા પર ગ્રાહકો પાસેથી વધારાનો ચાર્જ વસૂલવાનો આક્ષેપ

વડોદરાના છાણી વિસ્તારમાં આવેલી ડાઉન ટાઉન હોન્ડા ટુ વ્હીલર ડીલરશીપ સામે ગ્રાહકો પાસેથી વધારાનો ચાર્જ વસૂલવાની ફરિયાદ સામે આવી છે. અહીં સર્વિસ માટે આવતા ગ્રાહકોનું પહેલા જોબ કાર્ડ બનાવીને અંદાજિત લમ્પસમ એસ્ટિમેટ આપવામાં આવે છે. ઉદાહરણ તરીકે, ઓઈલ બદલવાની સાથે સર્વિસ કરવા માટે ગ્રાહકને રૂ. 1,600નો અંદાજ આપવામાં આવે છે અને ગ્રાહક તેની મંજૂરી આપે છે. પરંતુ એમાં એવું કહેવાતું નથી કે, આ રૂ. 1600માં સાઇલન્સર કોટિંગ પણ છે. સર્વિસ પૂર્ણ થયા બાદ ગ્રાહક ફરિયાદ કરે તો એવું કહેવાય છે કે, સર્વિસમાં આ બધું કરવું જરૂરી છે. ખાસ કરીને સર્વિસમાં ડાઉન ટાઉન હોન્ડાના ડીલર ગ્રાહકોની સર્વિસમાં “સાઇલન્સર કોટિંગ”ના નામે વધારાના રૂ. 500નો ચાર્જ ઉમેરી દેવાય છે. આ ચાર્જ અંગે ગ્રાહકને અગાઉ કોઈ માહિતી આપવામાં આવતી નથી. ઘણા ગ્રાહકોના જણાવ્યા મુજબ, બિલમાં આ વધારાનો ખર્ચ જોઈને તેઓ વાંધો ઉઠાવે છે, ત્યારે ડીલરશીપના સ્ટાફ દ્વારા જણાવવામાં આવે છે કે કંપનીના નિયમ મુજબ સર્વિસ કરવામાં આવે છે અને આ પ્રક્રિયા નિયમિત છે.

ગ્રાહકોનો આક્ષેપ છે કે એસ્ટિમેટ આપતી વખતે તમામ ખર્ચની વિગત સ્પષ્ટ રીતે જણાવવી જોઈએ. વધારાનો ખર્ચ સર્વિસ પૂર્ણ થયા બાદ બિલમાં ઉમેરી દેવો, ગ્રાહકને છેતરવાનો કિસ્સો ગણાય છે. આવા કિસ્સામાં ગ્રાહકો પાસે વિકલ્પ તરીકે ફરિયાદ નોંધાવવાનો જ રસ્તો રહે છે. સ્થાનિક સ્તરે આ બાબત ચર્ચામાં આવી છે અને ભોગ બનેલા ગ્રાહકોએ અન્ય ગ્રાહકોને પણ સાવચેત રહેવા અનુરોધ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, આવા સ્કેમથી બચવા માટે વાહન સર્વિસ માટે આપતાં પહેલાં તમામ પ્રકારના ખર્ચની પૂર્વ જાણ કરી લેવી જોઈએ અને એસ્ટિમેટ બિલની ઓરિજનલ કોપી લેવી જોઈએ જેથી બાદમાં બિલ અંગે વિવાદ ન સર્જાય.

Most Popular

To Top