Dabhoi

ડભોઈ મોતીબાગ પાણી ટાંકીનું ઉદ્ઘાટન… અને પ્રથમ ગ્રાસે મક્ષિકા!

ઉદ્ઘાટનના દિવસે જ નગરજનો પાણી વિના રહ્યા, ‘મોટર બળી’નું બહાનું સામે આવ્યું

ગુજરાત મિત્ર ન્યુઝ
ડભોઇ:
ડભોઈ નગરના કેટલાક વિસ્તારોમાં લાંબા સમયથી પાણીની ભારે તકલીફ હતી. આ સમસ્યાના નિરાકરણ માટે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા નવીન પાણીની ટાંકી તથા સંપ માટે માતબર ગ્રાન્ટ લાવી ટૂંકા ગાળામાં કામ પૂર્ણ કરાવવામાં આવ્યું હતું. નગરજનોને પાણીની સમસ્યા ન રહે તે હેતુથી તૈયાર કરાયેલી મોતીબાગ પાણી ટાંકીનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું, પરંતુ ઉદ્ઘાટનના પહેલા જ દિવસે “પ્રથમ ગ્રાસે મક્ષિકા” જેવો ધાટ સર્જાયો.

🚰 ઉદ્ઘાટન થયું, પરંતુ પાણી નહીં

ઉદ્ઘાટન પ્રસંગે નગરજનોને પાણી મળવાનું હતું, પરંતુ માત્ર વિધિ પૂરતી ઉદ્ઘાટન કરી દેવામાં આવ્યું. નગરજનો પાણી માટે રાહ જોઈ રહ્યા હતા ત્યારે પાણી પુરવઠા વિભાગ તરફથી “મોટર બળી ગઈ છે” એવો જવાબ આપવામાં આવ્યો. પરિણામે નગરજનોને પાણી વિના જ ઉદ્ઘાટન જોવાનો વારો આવ્યો.

ઉદ્ઘાટન પૂર્વે તૈયારી કેમ ન થઈ?

નગરપાલિકાના સૂત્રો મુજબ ઉદ્ઘાટનના એક દિવસ પૂર્વે નગરપાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસર સહિત અનેક મહાનુભાવો ટાંકી સ્થળે હાજર હતા. ત્યારે ટાંકી ભરવાની કે મોટરની કામગીરી તપાસવાની તસ્દી કેમ ન લેવાઈ? એવો સવાલ નગરજનોમાં ઉઠી રહ્યો છે.

⚙️ પાણી પુરવઠામાં મોટર રીપેરિંગનું ‘તથાકથિત કૌભાંડ’?

મોતીબાગ પાણી પુરવઠા વિભાગમાંથી મળતી માહિતી મુજબ નગરપાલિકાના પાણી પુરવઠા વિભાગમાં મોટરો બળવાની અને વારંવાર રીપેરિંગના નામે થતા ખર્ચની ઊંડાણપૂર્વક તપાસ થાય તો મોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

🗣️ ડભોઈને ‘દર્ભાવતી’ ન બનવા દેતો માણસ કોણ?

ડભોઈના ધારાસભ્ય ડભોઈને ‘દર્ભાવતી’ બનાવવા સતત પ્રયાસશીલ છે, ત્યારે ડભોઈને દર્ભાવતી ન બનવા દેવા કોણ ભૂમિકા ભજવી રહ્યું છે? તે બાબતે ચર્ચાનો દોર શરૂ થયો છે. નગરપાલિકામાં ચાલી રહેલો જુથવાદ પણ આ સમગ્ર ગડબડમાં મોટી ભૂમિકા ભજવી રહ્યો હોવાની ચર્ચા ઉઠી છે.

🕵️‍♂️ જવાબદારો સામે તપાસની માંગ

નગરજનોમાં ઉદ્ભવેલા રોષને પગલે પાણી પુરવઠા વિભાગની કામગીરી, મોટર બળી જવાના કારણો અને રીપેરિંગ ખર્ચ અંગે નિષ્પક્ષ તપાસ કરવાની માંગ તેજ બની છે. જો સમયસર કાર્યવાહી નહીં થાય તો નગરજનો દ્વારા આંદોલનનો માર્ગ અપનાવવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Most Popular

To Top