Dabhoi

ડભોઈ નજીક ખેતરમાં અજાણી મહિલાનું શંકાસ્પદ મોત, વિસ્તારમાં કુતૂહલ

તરસાણા ગામ નજીક ખેતરના સેઢા પાસે 30-35 વર્ષની મહિલાનો મૃતદેહ મળ્યો

  • ગરમીથી મોતની સંભાવના, ઓળખ માટે પોલીસે શરૂ કરી તપાસ

ડભોઈ:
ડભોઈ તાલુકાના તરસાણા ગામ નજીક ડભોઈ-વાઘોડિયા માર્ગ પર જે.ડી. રેસીડન્સી પાસે ખેતરમાંથી એક અજાણી મહિલાનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં ડભોઈ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી મૃતદેહ કબજે લઈ તપાસ શરૂ કરી છે.
માહિતી મુજબ તરસાણા ગામ નજીક જમાલ જંબુસરીયાના ખેતરના સેઢા પાસે અંદાજે 30 થી 35 વર્ષની મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ હાલ રાજ્યમાં વધતી ગરમીને ધ્યાનમાં લેતા મહિલાનું મોત ગરમીના કારણે થયું હોવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, પોલીસ તમામ દિશામાં તપાસ કરી રહી છે.
મૃતક મહિલા કોણ છે, તે ક્યાંથી આવી હતી અને ક્યાં જઈ રહી હતી તે અંગે હાલ કોઈ માહિતી સામે આવી નથી. ડભોઈ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને પી.એમ. રિપોર્ટ બાદ જ મોતનું ચોક્કસ કારણ બહાર આવશે.
પોલીસ દ્વારા મહિલાની ઓળખ માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. આ બનાવને લઈને ડભોઈ તાલુકામાં લોકોમાં કુતૂહલ પેદા થયું છે અને હવે સમગ્ર મામલે પોલીસ તપાસ પર સૌની નજર છે.

રિપોર્ટર : દીપક જોશી

Most Popular

To Top