Dabhoi

ડભોઈ નગરસેવાસદનમાં દલાલોનો કાયમી અડીંગો – કડક કાર્યવાહી કરવા લોકમાંગ

ભાજપા લઘુમતી મોરચાના પૂર્વ પ્રમુખે કરી લેખીત રજૂઆત


ડભોઇ:
ડભોઈ તાલુકા સેવાસદનમાં ડભોઈ નગર સહિત ગ્રામ્ય વિસ્તારોમાંથી પોતાનાં જુદાજુદા સરકારી કામ અર્થે આવતા અરજદારોનુ કામ વહેલું કરાવી આપવાની લાલચ આપી ત્યાં અડીંગો જમાવી બેસી રહેતાં દલાલો દ્વારા આર્થિક શોષણ કરાતું હોવાની બૂમો ઉભી થવા પામી છે. જેથી તેઓ આ દલાલો વિરુધ્ધ કડક કાર્યવાહી કરવા જીલ્લા ભાજપા લઘુમતી મોરચાના પૂવૅ પ્રમુખ ઈકબાલભાઈ શેખ – જોની દ્વારા કલેકટરને લેખિત અરજી આપવામાં આવી હોવાનું જાણવા મળી રહયું છે. ડભોઈ તાલુકા સેવાસદનમાં નગર સહીત તાલુકાના ૧૧૮ જેટલાં ગામડાઓમાંથી રોજેરોજ હજારો નાગરિકો જુદાજુદા કામ અર્થે આવતાં હોય છે. તેમજ કેટલાક લોકો પોતાનો વેપાર ઘંઘો છોડીને આખો દિવસ ભૂખ્યા તરસ્યા લાઈનોમાં ઉભા રહી પોતાનુ કામ થાય તે માટે કાગડોળે રાહ જોતા હોય છે. ત્યારે તાલુકા સેવાસદનમાં અધિકારીઓ અને કર્મચારીઓ સાથે મીઠા સબંધો ધરાવતાં આ દલાલો ત્યાં અડીંગો જમાવીને બેસી હોય છે અને સીટી સર્વે, ૭/૧૨ ના ઉતારા મેળવવા, રેશનકાર્ડ, વિધવા પેન્શન, ચુંટણી કાર્ડ, આવક – જાતિના દાખલા સહીતનાં નાના મોટા કામો માટે અરજદારો પાસેથી મસમોટી રકમ પડાવતા હોવાનું આ અરજીમાં જણાવાયુ છે. એટલું જ નહી આ અગાઉ પણ સ્થાનિક અધિકારીઓને વારંવાર મૌખિક અને લેખિત અરજીઓ દ્રારા પણ આઅંગે ધ્યાન દોરવા છતાં કંઈ નકકર કાર્યવાહી ન થતાં ઈકબાલભાઈ જોનીએ લોકોની સમસ્યાનાં સમાધાન અને ઉકેલ માટે લેખિત અરજી કરી હોવાનું અને તેની નકલ ધારાસભ્ય અને નાયબ કલેકટરને પણ કરી હોવાનું જાણવા મળ્યું છે. આમ, ડભોઈ સેવાસદનને દલાલો મુક્ત કરી સામાન્ય પ્રજાને આર્થિક શોષણમાથી બચાવવા પારદર્શક પગલાં લેવાની રાવ કરાતાં નગર અને તાલુકામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. હવે જોવું એ રહયું કે, નાગરિકોની આ સમસ્યાનો ઉકેલ કયારે આવે છે ?

Most Popular

To Top