ટિકિટ મુદ્દે અંદરની ખેંચતાણ, ‘હરાવવાની’ ચેતવણીથી રાજકારણ ગરમાયું
ભાજપના ગઢમાં ગાબડાંની આશંકા, માઇક્રો પ્લાનિંગ સામે આંતરિક અસંતોષ
ડભોઈ:
ડભોઈ નગરપાલિકાની આવનારી ચૂંટણી પહેલા જ રાજકીય માહોલ ગરમાયો છે. છેલ્લા સામાન્ય સભા પૂર્ણ થયા બાદ વર્તમાન સભ્યોમાં ટિકિટ વિતરણને લઈને જુથબંધીના સંકેતો સ્પષ્ટ જોવા મળી રહ્યા છે.
નગરપાલિકા પટાંગણમાંથી મળતી માહિતી મુજબ, નામ ન આપવાની શરતે એક સભ્યે જણાવ્યું કે, “મને ટિકિટ ન મળે તો ચાલે, પરંતુ જો એક નિશ્ચિત મહિલા ઉમેદવારને ટિકિટ આપવામાં આવશે તો તેમને જાહેરમાં હરાવવા માટે પ્રયત્ન કરીશ— જો પાર્ટીમાંથી કાઢી મુકવામાં આવે તો પણ.” આ નિવેદન બાદ વોર્ડ નં. 7 સહિત સમગ્ર નગરમાં રાજકીય ચર્ચાઓ તેજ બની છે.
ઉલ્લેખનીય છે કે વોર્ડ નં. 7 પરંપરાગત રીતે ભાજપનો મજબૂત ગઢ રહ્યો છે. વર્ષ 2015ની ચૂંટણીમાં ભાજપે આ વોર્ડની ચારેય બેઠકો જીતેલી હતી. પરંતુ હાલની પરિસ્થિતિમાં જો આ ગઢમાં આંતરિક મતભેદો ઊભા થશે, તો પાર્ટીને નુકસાન થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.
એક તરફ ભાજપ આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને માઇક્રો પ્લાનિંગમાં વ્યસ્ત છે, ત્યારે બીજી તરફ આંતરિક અસંતોષ અને વ્યક્તિગત અહમના મુદ્દાઓ ગણતરી બગાડી શકે તેવી સ્થિતિ ઉભી થઈ રહી છે.
ગુજરાતી કહેવત મુજબ ‘સ્ત્રી હઠ, રાજહઠ અને બાળહઠ’—આ ત્રણે પરિસ્થિતિમાં નિર્ણયો મુશ્કેલ બની જાય છે. હાલ ડભોઈના રાજકારણમાં ‘રાજકીય હઠ’ અને ‘વ્યક્તિગત અહમ’ની અસર સ્પષ્ટ જોવા મળી રહી છે.
હવે જોવાનું રહેશે કે આવનારી ચૂંટણીમાં આ જુથબંધી કેવી અસર કરે છે અને ભાજપ પોતાના ગઢને જાળવી રાખવામાં કેટલું સફળ રહે છે.
રિપોર્ટર : દીપક જોશી