વફાદારી કે લાગવગ? ભાજપની ટિકિટ વહેંચણી પર સૌની નજર
ડભોઇ: ડભોઈ તાલુકા પંચાયતની ૨૦ બેઠકો માટે આ વખતે ખરાખરીનો રાજકીય જંગ જોવા મળવાના એંધાણ છે. ખાસ કરીને ઓબીસી મહિલા પ્રમુખ માટે અનામત ચનવાડા બેઠક સમગ્ર તાલુકામાં ચર્ચાનો કેન્દ્ર બની છે. આ બેઠક પર જીતનાર ઉમેદવાર તાલુકા પંચાયતના પ્રમુખપદ માટે મજબૂત દાવેદાર બનશે એવી રાજકીય ગણતરી ચાલી રહી છે. વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા મુજબ માજી તાલુકા ઉપપ્રમુખ બારીયા ભરતભાઈ જેસંગ, જેમણે અગાઉ એ.પી.એમ.સી.માં ભાજપ સામે ચૂંટણી લડી હતી, તેમની પુત્રવધૂ બારીયા ગીતાબેન અર્જુનભાઈએ ભાજપમાંથી ટિકિટની માંગણી કરી છે.
આ દાવેદારીને લઈને તાલુકા ભાજપના વફાદાર કાર્યકરોમાં રોષ અને નારાજગી જોવા મળી રહી છે. હવે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ ટિકિટ વહેંચણીમાં વફાદારીને પ્રાથમિકતા આપશે કે લાગવગને — તે મુદ્દે રાજકીય ચર્ચા ગરમાઈ છે. ચનવાડા બેઠક પર ભડકો થવાની શક્યતાઓ વચ્ચે ભાજપ ટિકિટ વહેંચણીમાં ખૂબ સાવચેતીપૂર્વક પગલાં ભરી રહી છે. હાલ સમગ્ર તાલુકાની નજર આ બેઠક પર કેન્દ્રિત છે કે અંતે પ્રમુખપદ સુધી પહોંચવાનો રસ્તો કોના માટે ખુલશે — વફાદાર કાર્યકર માટે કે પછી બળવો કરનાર માટે?
રિપોર્ટર : દીપક જોશી