ધારાસભ્ય શૈલેષ મહેતાની રજૂઆત રંગ લાવી, ₹5.73 કરોડના ટેન્ડરથી વિકાસ કાર્યનો માર્ગ મોકળો
નવીનીકરણ બાદ ભક્તોને સુવિધા વધશે, રેવા સ્નાન બનશે સરળ
ડભોઈ:
ડભોઈ તાલુકાના પ્રખ્યાત પૌરાણિક અને ધાર્મિક સ્થળ કરનાળી ધાટના નવીનીકરણ માટે ગુજરાત સરકાર દ્વારા ટેન્ડર જાહેર કરવામાં આવતા ભક્તોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.
મળતી માહિતી મુજબ, ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા નર્મદા નદીના ધાટોના વિકાસ માટે સરકાર સમક્ષ સતત રજૂઆતો કરવામાં આવી હતી, જેના પરિણામે ગુજરાત સરકારના સંબંધિત વિભાગ દ્વારા “ડેવલપમેન્ટ ઓફ કરનાળી ઘાટ ઓન નર્મદા રિવર” માટે આશરે ₹5,73,63,340ના ખર્ચે ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું છે.

આ ધાટ રેવા તટે આવેલા પૌરાણિક કુબેરેશ્વર મહાદેવ મંદિર સાથે સંકળાયેલો હોવાથી દર માસની અમાસે અહીં ભક્તોનું ભારે ઘોડાપૂર ઉમટે છે. હાલની પરિસ્થિતિમાં પૂરતી સુવિધાઓના અભાવને કારણે ભક્તોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
નવીનીકરણ બાદ ધાટ પર પાયો મજબૂત બનશે તેમજ સ્નાન, આવાગમન અને સુરક્ષાની સુવિધાઓમાં વધારો થશે, જેના કારણે ભક્તોને રેવા સ્નાન વધુ સરળતાથી કરી શકાશે.

આગામી સમયમાં કામ શરૂ થતાં કરનાળી ખાતે ભક્તોની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિકોમાં અને ભક્તોમાં આ નિર્ણયને લઈ આનંદની લાગણી વ્યાપી છે.
રિપોર્ટર: દીપક જોશી